સાયબર ઠગાઈ અને ઓનલાઈન નાણાકીય કૌભાંડો આચરતી આંતરરાજ્ય સિન્ડિકેટ વિરુદ્ધ ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસને એક ખૂબ મોટી અને મહત્વની સફળતા સાંપડી છે. સાયબર ક્રાઇમ પોલીસે બેંક ખાતાનો દુરુપયોગ કરી આચરવામાં આવેલા રૂપિયા 1.41 કરોડના નાણાકીય ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી થયેલી છેતરપિંડીના નાણાં ભાવનગર સ્થિત IDBI બેંકના એક શંકાસ્પદ ‘મ્યુલ એકાઉન્ટ’ માં જમા કરાવી, માત્ર 4 દિવસની અંદર યુપીઆઈ (UPI) મારફતે ઉપાડી લેવાનું સુનિયોજિત ષડયંત્ર બહાર આવ્યું છે. પોલીસે આ મામલે શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા સુનિલ કારેલીયા નામના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
4 દિવસમાં ₹1.41 કરોડની હેરાફેરી: UPI મારફતે રકમ સેરવી લીધી
આરોપી સુનિલ કારેલીયાના નામે રહેલા IDBI બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ઠગો દ્વારા ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે કરવામાં આવ્યો હતો.10 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન માત્ર ચાર જ દિવસના ટૂંકા ગાળામાં આ ખાતામાં દેશના જુદા-જુદા ભાગોમાંથી ટુકડે-ટુકડે કુલ ₹1.41 (એક કરોડ એકતાળીસ લાખ રૂપિયા) જમા થયા હતા.નાણાં જમા થતાંની સાથે જ બેંક ટ્રાન્ઝેક્શન ટ્રેસ ન થાય તે માટે ગણતરીના કલાકોમાં યુપીઆઈ (UPI) તેમજ અન્ય ઓનલાઈન પેમેન્ટ ગેટવે મારફતે આ સમગ્ર જંગી રકમ અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી રોકડ સ્વરૂપે ઉપાડી લેવામાં આવી હતી.
દેશભરમાંથી 12 અરજીઓ મળ્યા બાદ ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી
આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ દેશવ્યાપી ફરિયાદોના સંકલનથી થયો છે.દેશના જુદા જુદા રાજ્યોમાં રહેતા સામાન્ય નાગરિકો સાથે શેરબજાર, ટાસ્ક ફ્રોડ કે અન્ય ઓનલાઈન માધ્યમથી થયેલી ઠગાઈ બાદ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર ફરિયાદો નોંધાઈ હતી. આ પૈકીની 12 જેટલી સાયબર ફ્રોડની અરજીઓ માં લૂંટાયેલા નાણાં છેવટે ભાવનગરના IDBI બેંક ખાતામાં જમા થયા હોવાનું ટેકનિકલ એનાલિસિસમાં સ્પષ્ટ થયું હતું.કેન્દ્રીય એજન્સીઓ અને અન્ય રાજ્યોની પોલીસ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે ભાવનગર સાયબર ક્રાઇમ ટીમે એકાઉન્ટ હોલ્ડર અને ટ્રાન્ઝેક્શનની કડીઓ જોડી સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું.
કુંભારવાડાના સુનિલ કારેલીયા સામે ગુનો દાખલ
સાયબર ક્રાઇમ પોલીસે સત્તાવાર ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારના રહેવાસી સુનિલ કારેલીયા વિરુદ્ધ આઈટી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ હવે એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે સુનિલ કારેલીયાએ કમિશનની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું કે પછી તે પોતે આ સાયબર સિન્ડિકેટનો સક્રિય સભ્ય છે.UPI મારફતે જે જે એકાઉન્ટ્સમાં નાણાં મોકલવામાં આવ્યા છે તેની હિસ્ટ્રી મેળવીને આંતરરાજ્ય સાયબર નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Morbi: શેરબજારમાં જંગી કમાણીની લાલચે વેપારીના ₹84.80 લાખ સ્વાહા! ‘Galad Arab’ એપથી સર્જાયો ઠગાઈનો ખેલ