ભાવનગર જિલ્લા જેલમાં પથુભા ગોહિલના મોતનો મામલો વધુ ને વધુ ગરમાઈ રહ્યો છે. ગત 25 નવેમ્બરના રોજ વહેલી સવારે જિલ્લા જેલમાં થયેલા પથુભા ગોહિલના અવસાન બાદ પરિવારજનો અને ક્ષત્રિય સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે શરૂ કરાયેલો વિરોધ સતત ચોથા દિવસે પણ યથાવત છે, અને હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ ન્યાયની લડતમાં જોડાઈ છે.
ભાવનગર જેલમાં પથુભા ગોહિલના મોતનો મામલો
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાર દિવસ પહેલા જિલ્લા જેલમાં પથુભા ગોહિલનું અવસાન થયું હતું, ત્યારથી પરિવારજનો અને સમાજના આગેવાનો ન્યાય માટે મેદાનમાં આવ્યા છે. ન્યાયની માંગ સાથે પરિવારજનોનો વિરોધ યથાવત છે અને છેલ્લા 80 કલાકથી પરિવારજનો દ્વારા પથુભાના મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. પરિવારજનો અને ક્ષત્રિય સમાજ દ્વારા વલ્લભભાઈ વિરડીયા અને વિશાલ ધામેલીયા સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સમાજ અને પરિવારજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો બંને જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો આ આંદોલન સમગ્ર ગુજરાતભરમાં ફેલાવાની શક્યતા છે.
