રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની કથિત બેદરકારીના કારણે ચાર દિવસ પૂર્વે મિતાલી કેસરિયા નામની પરણીતાનું મોત નીપજતા સમગ્ર શહેર અને ખાસ કરીને રઘુવંશી સમાજમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. આ દુઃખદ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગણી સાથે રઘુવંશી સમાજ મેદાને ઉતર્યો છે અને ત્રિકોણબાગ સર્કલથી રેલી કાઢી મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવ્યું છે.

બેનર-પોસ્ટર સાથે રઘુવંશી સમાજની રેલી

પ્રાપ્ત વિગતો અનુસાર, ચાર દિવસ અગાઉ બનેલી આ ઘટનામાં મનપા તંત્રની ઘોર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપ સાથે રઘુવંશી સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ત્રિકોણબાગ સર્કલ ખાતે એકત્રિત થયા હતા:સમાજના આગેવાનોએ બેનર-પોસ્ટર સાથે રેલી સ્વરૂપે કોર્પોરેશન કચેરી પહોંચીને ન્યાયની માંગ ઉઠાવી હતી.મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવીને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેવી રજૂઆત કરાઈ છે.

યુવતીના મોતની ઘટના અત્યંત દુઃખદ છે-ડેપ્યુટી કમિશનર

પવન કન્સ્ટ્રક્શન, થર્ડ પાર્ટી એજન્સી અને અધિકારીઓને નોટિસ,આ સમગ્ર મામલે રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે યુવતીના મોતની ઘટના અત્યંત દુઃખદ છે. પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે જ્યાં કુંડીઓ હતી ત્યાં બેરિકેટિંગ જોવા મળ્યું નથી.સમગ્ર મામલે ઘટનામાં જવાબદાર ગણાતા ત્રણ પક્ષ ડામર રોડનું કામકાજ કરનાર પવન કન્સ્ટ્રક્શન, થર્ડ પાર્ટી એજન્સી તેમજ મનપાના જવાબદાર અધિકારીઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.ડે. કમિશનરે ઉમેર્યું હતું કે તપાસ બાદ જવાબદારો સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.

મનપાના મૌન સામે ઉઠ્યા સવાલો: "તપાસના નામે ફરી નાટક શરૂ"

બીજી તરફ, યુવતીના મોત મામલે મનપાના અધિકારીઓના મૌન અને કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ચોક્કસ કોની બેદરકારી છે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા ન થતાં નાગરિકોમાં એવો આક્રોશ જોવા મળી રહ્યો છે કે મનપાને કોઈના જીવની ચિંતા નથી અને તંત્ર દ્વારા ફરી એકવાર તપાસના નામે નાટક શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: સરખેજ ડ્રગ્સ લેબ કેસમાં GTUના પીએચડી સંશોધકની ધરપકડ બાદ GTU એક્શનમાં; હર્ષિલ પરીખ સામે આંતરિક તપાસ શરૂ