અમદાવાદના ચકચારી સરખેજ ડ્રગ્સ લેબ કેસમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના પીએચડી (PhD) સંશોધક હર્ષિલ પરીખની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે GTU એક્શનમાં આવી છે. યુનિવર્સિટી દ્વારા કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી રહેલા હર્ષિલ પરીખ સામે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે અને નિયમભંગ સાબિત થશે તો તેનું પીએચડી રજિસ્ટ્રેશન રદ કરવા ઉપરાંત સ્કોલરશીપ પરત વસૂલવા સુધીના કડક પગલાં લેવાની તૈયારી હાથ ધરાઈ છે.

મુખ્ય આરોપી મુદસ્સર પઠાણ સાથે 92 વખત ફોન પર વાતચીત

પ્રાપ્ત વિગતો અનુસાર, સરખેજ ડ્રગ્સ લેબ પ્રકરણની તપાસમાં સંશોધકની ગંભીર સંડોવણી સામે આવી છે. NCBએ ડ્રગ્સ લેબના મુખ્ય આરોપી મુદસ્સર પઠાણને કેમિકલ સપ્લાય કરવાના આક્ષેપમાં હર્ષિલ પરીખની ધરપકડ કરી છે. તપાસ એજન્સીઓની તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે હર્ષિલ પરીખ અને મુખ્ય આરોપી મુદસ્સર પઠાણ વચ્ચે 92 વખત ફોન પર વાતચીત થઈ હતી.

પીએચડી ગાઇડ સહિત અધિકારીઓને તપાસ સોંપાઈ

આ સમગ્ર ઘટનાક્રમ બાદ GTU પ્રશાસને કડક વલણ અપનાવીને આંતરિક કાર્યવાહી તેજ કરી છે. કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી રહેલા હર્ષિલ પરીખની ડ્રગ્સ નેટવર્કમાં કથિત ભૂમિકા અંગે તથ્યો એકત્રિત કરવા GTU દ્વારા સૂચના અપાઈ છે અને સંશોધકના પીએચડી ગાઇડ સહિત સંબંધિત અધિકારીઓને તપાસની જવાબદારી સોંપાઈ છે. તપાસમાં ગેરરીતિ કે નિયમભંગ સાબિત થશે તેમજ તપાસ એજન્સીના રિપોર્ટ બાદ હર્ષિલનું એડમિશન અને પીએચડી રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા GTU હાથ ધરશે. આરોપની ગંભીરતા અને તપાસના તારણોના આધારે GTU આખરી નિર્ણય લેશે.હાલ સંશોધકને AICTE ડોક્ટરલ ફેલોશિપ મળી રહી છે, જે અંતર્ગત માર્ચ 2025થી હર્ષિલને દર મહિને ₹48,000 સ્કોલરશીપ મળે છે. નિયમભંગ બદલ AICTE દ્વારા હર્ષિલને મળતી આ સ્કોલરશીપ પણ પરત વસૂલ કરવામાં આવે તે માટે GTU દ્વારા પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: Vadodara: ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલે ખુલાસો; અમે ફટાકડા ફોડ્યા જ નહોતા, છતાં 5 કલાક ઊભા રાખી ગુનો કબૂલવા ત્રાસ અપાયો