ગુજરાતના રાજકારણમાં સૌથી મોટું પ્રભુત્વ ધરાવતા કોળી સમાજે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પાવર પ્લે શરૂ કરી દીધો છે. ભાવનગરમાં હોસ્ટેલમાં રહેતી કોળી સમાજની વિદ્યાર્થિનીઓને જરૂરી ચીજવસ્તુઓ અને કીટ વિતરણના એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ નેતા પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ ખાસ હાજરી આપી હતી. આ સામાજિક મંચ પરથી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ એક મોટો રાજકીય બ્લાસ્ટ કરીને શાસક પક્ષ અને વિપક્ષ બંનેના કાન સરવા કરી દીધા છે.
દિવ્યેશ સોલંકીને ચૂંટણી લડાવવાની મોટી જાહેરાત
https://twitter.com/sandeshnews/status/2073786271215112474
પરસોત્તમ સોલંકીની નાદુરસ્તી અને દિવ્યેશનો ઉદય
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ સાર્વજનિક મંચ પરથી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કોળી સમાજના સુપ્રીમો અને જનતાના હૃદયમાં વસતા પરસોતમભાઈ સોલંકીએ સમાજમાં મોટી જાગૃતિ આણી છે. જોકે, હાલના સમયમાં તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી તેમના પુત્ર દિવ્યેશ સોલંકી મેદાનમાં આવી ચૂક્યા છે. દિવ્યેશ સોલંકી એક સક્રિય યુવા નેતા છે, જે સમાજની એક હાંક પર દોડી આવે છે. પ્રવિણ કોળીએ પક્ષ હાઈકમાન્ડને આડકતરો ઈશારો કરતાં સાફ શબ્દોમાં કહ્યું કે, "પક્ષ ગમે તે નિર્ણય લે, પક્ષ ટિકિટ આપે કે ન આપે, પરંતુ કોળી સમાજે મન બનાવી લીધું છે કે 2027ની ચૂંટણીમાં દિવ્યેશ સોલંકી જ ચૂંટણી લડશે."
દિલ્હી અધિવેશન અને ઠાકોર સમાજ સાથે જુગલબંદી
પ્રવિણ કોળીએ પોતાના ભાષણમાં નેતાઓની દિલ્હી દોડ પર કટાક્ષ કરતાં કહ્યું કે, દિવ્યેશ સોલંકીને ટિકિટ મેળવવા માટે દિલ્હી જઈને બે-બે અધિવેશન કરવાની કે શક્તિપ્રદર્શન કરવાની કોઈ જરૂર નથી, તેમની પાછળ આખો સમાજ અડીખમ ઊભો છે. વધુમાં તેમણે એક મોટું વિધાન કરતા ઉમેર્યું કે, ૨૦૨7ની ચૂંટણી પછી ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજના બહુ સારા દિવસો આવવાના છે, જે રાજ્યના રાજકારણમાં મોટા જ્ઞાતિગત સમીકરણો તરફ ઈશારો કરે છે.
આ પણ વાંચો: Amreli Rain: રાયડી ડેમ ઓવરફ્લો થતાં ફરી 8 દરવાજા ખોલાયા, નદીના પટમાં જવા પર કડક પ્રતિબંધ