પ્રકાશના મહાપર્વ દિવાળીના દિવસે ભાવનગર શહેરના કુંભારપરા વિસ્તારમાં જૂની અદાવતની આગમાં લોહીયાળ ખેલ ખેલાયો છે. ઘરેથી રાત્રિના સમયે જમવાનું પાર્સલ લેવા માટે નીકળેલા 25 વર્ષીય યુવક રોહિત ઉર્ફે બટુ બુધાભાઈ બારૈયાને ઘેરી લઈને હથિયારધારી શખ્સોએ જાહેરમાં રહેંસી નાખ્યો હતો. ધારિયા, છરી અને લાકડાના ધોકા જેવા ઘાતક હથિયારો વડે નિર્દયતાપૂર્વક હુમલો કરી યુવકની હત્યા નીપજાવવામાં આવી હતી. આટલેથી જ ન અટકતાં, લોહીતરસ્યા હુમલાખોરોએ મૃતકના ઘરે જઈ તેના પરિવારજનો પર પણ હુમલો કર્યો હતો, જેમાં મૃતકના પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તહેવારના દિવસે બનેલી આ સનસનાટીભરી હત્યાથી સમગ્ર કુંભારપરા પંથકમાં ભારે ફફડાટ અને તણાવ ફેલાઈ ગયો છે.
ધારિયા-છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળ્યું, ઘરે જઈ પરિવાર પર હુમલો
25 વર્ષીય રોહિત ઉર્ફે બટુ બુધાભાઈ બારૈયા દિવાળીની રાત્રે પોતાના ઘર નજીકથી જમવાનું પાર્સલ લેવા નીકળ્યો ત્યારે અગાઉથી તલવાર-ધારિયા અને છરી સાથે તૈયાર બેઠેલા શખ્સોએ તેના પર તૂટી પડી આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને પગલે રોહિતનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.પ્રાથમિક વિગતો મુજબ, જૂની અદાવતને લઈને વિજય રાઠોડ, કાર્તિક રાઠોડ, રામો રાઠોડ સહિત અન્ય અજાણ્યા શખ્સોએ આ જીવલેણ હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવારે કર્યો છે. યુવકની હત્યા કર્યા બાદ આવેશમાં આવેલા આરોપીઓ સીધા મૃતકના ઘરે પહોંચ્યા હતા અને તેના માતા-પિતા પર હુમલો બોલાવ્યો હતો. આ હુમલામાં મૃતકના પિતા બુધાભાઈ બારૈયાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
