પ્રકાશ અને ઉત્સવના મહાપર્વ દિવાળીની રાત્રે સુરત શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત ચકચારી અને ભયાનક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ભટાર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં અસામાજિક તત્વોએ ૧૮ વર્ષીય આશાસ્પદ યુવક પ્રસિદ્ધ સંતોષ મોરે પર જીવલેણ હુમલો કરી સરેજાહેર તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. તહેવારના દિવસે જ જાહેરમાં હત્યાની ઘટના બનતાં સમગ્ર ભટાર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
સુરત શહેરમાં ફટાકડા ફોડવાની તકરાર બની જીવલેણ
દિવાળીની રાત્રે ભટાર વિસ્તારમાં ફટાકડા ફોડવાને લઈને યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી અને તણાવ સર્જાયો હતો. આ સામાન્ય તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ લીધું હતું અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આવેશમાં આવેલા અસામાજિક તત્વોએ 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે પર ઘાતક હુમલો કરી દીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે પ્રસિદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જાહેરમાં હત્યાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ખટોદરા પોલીસ મથકનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
