દિવાળી અને નૂતન વર્ષના મહાપર્વ નિમિત્તે વતન તરફ પ્રયાણ કરતા લાખો મુસાફરોની સેવામાં ખડેપગે રહેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના સુરત એસટી ડિવિઝનને આ વર્ષે દિવાળીનો તહેવાર આર્થિક રીતે જબરદસ્ત ફળ્યો છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા તહેવાર ટાણે વસૂલાતા બેફામ ભાડાની સામે સુરત એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવેલી વધારાની બસો મુસાફરો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. તહેવારના પીક દિવસો દરમિયાન માત્ર 4 દિવસના ટૂંકા ગાળામાં સુરત એસટી વિભાગે વિવિધ રૂટો પર 1,214 જેટલી બસ ટ્રીપોનું સફળ સંચાલન કરીને કુલ ₹2.59 કરોડની માતબર આવક મેળવી કમાણીનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

4 દિવસમાં 51,518 મુસાફરોએ લીધો સલામત સવારીનો લાભ

દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોના પ્રચંડ ધસારાને પગલે ૪ દિવસમાં સુરત એસટી તંત્રને કુલ 2.59 કરોડ ની રેકોર્ડબ્રેક આવક પ્રાપ્ત થઈ છે. નિયમિત બસો ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલ તરફ જતા મુસાફરો માટે ખાસ આયોજન કરીને કુલ 1,214 ટ્રીપો પાટા પર દોડાવવામાં આવી હતી. સુરત અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 51,518 મુસાફરોએ એસટી બસની સલામત અને સસ્તી સવારી પસંદ કરીને કોઈપણ મુશ્કેલી વગર પોતાના વતન પહોંચવામાં સફળતા મેળવી હતી.સુરતથી ખાસ કરીને અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર તરફ જતી એકસ્ટ્રા બસો હાઉસફુલ દોડી હતી.

વધારાની બસો મુસાફરો માટે સાબિત થઈ સંજીવની

દિવાળી વેકેશન દરમિયાન ખાનગી લક્ઝરી બસો દ્વારા ત્રણથી ચાર ગણા ઊંચા ભાડા વસૂલીને મુસાફરોનું આર્થિક શોષણ કરવામાં આવતું હતું. તેવા સમયે સુરત એસટી વિભાગે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ તેમજ વિવિધ પોઈન્ટ્સ પરથી વધારાની બસો મૂકી મુસાફરોને મોટી રાહત આપી હતી.મુસાફરોને ટિકિટ બુકિંગ, બસ પ્લેટફોર્મની માહિતી અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે એસટી પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ 24 કલાક સ્ટેન્ડ પર તૈનાત રહ્યા હતા.સુચારુ આયોજન અને સમયબદ્ધ સંચાલનના લીધે સુરત એસટી વિભાગે જાહેર પરિવહનની વિશ્વસનીયતા ફરી એકવાર સાબિત કરી બતાવી છે.

આ પણ વાંચો: Surat: શહેરમાં આખી રાતમાં 94 અને 20 કલાકમાં 150 સ્થળે આગ, ફાયર બ્રિગેડ સતત દોડતી રહી