ચર્ચસ્પદ ભાવનગર અને બોટાદ લઠ્ઠાકાંડ કેસની તપાસ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને તપાસ દરમિયાન એક મહત્વનો કડીરૂપ સફળતા મળી છે. લઠ્ઠાકાંડમાં વપરાયેલા ઝેરી મિથેનોલ કેમિકલનો મુખ્ય જથ્થો પૂરો પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર દિલ્હીના ટ્રેડર મનજીતસિંઘની SMC એ ધરપકડ કરી છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMC નો મોટો ધડાકો
મનજીતસિંઘ દિલ્હી ખાતે 'જીત કેમિકલ' ના નામે કંપની ચલાવતો હતો અને તેણે આઉટ ઓફ ઇન્ડિયા (વિદેશ)થી થિનર કેમિકલ મંગાવીને ગુજરાતમાં સપ્લાય કર્યું હોવાની કબૂલાત SMC એ કોર્ટ સમક્ષ કરી હતી. SMC દ્વારા કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ નામદાર કોર્ટે તમામ દલીલો સાંભળીને આરોપી મનજીતસિંઘના 10 સપ્ટેમ્બર સુધીના ૩ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, આ કેસમાં અગાઉ પકડાયેલા અને પોલીસ રિમાન્ડ હેઠળ રહેલા વધુ 9 આરોપીઓના રિમાન્ડની મુદત પૂરી થતાં SMC એ તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. તપાસ એજન્સી દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતાં કોર્ટના આદેશથી તમામ 9 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલહવાલે કરવામાં આવ્યા છે.
