ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં સિંહોની સતત વધતી જતી દખલગીરી વચ્ચે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. પાલીતાણાના ટોડી ગામે સીમાડામાં ગાયો ચરાવી રહેલા એક પશુપાલક પર અચાનક સિંહે હુમલો કરી દીધો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

વિજયભાઈ બલિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં રિફર

આ હુમલામાં પશુપાલક વિજયભાઈ બલિયાના શરીરના વિવિધ ભાગોમાં સિંહના પંજા અને દાંતથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમની તબિયત વધુ નાજુક જણાતા તેમને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પશુપાલકો અને ખેડૂતોમાં ફેલાયો ભયનો માહોલ

આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક પશુપાલકો અને ખેડૂતોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહોની અવરજવર પર કાયમી ધોરણે નજર રાખવામાં આવે અને યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માગણી ઉઠી છે.

આ પણ વાંચો : Monsoon 2026 : વાવ તાલુકાના ભાચલી ગામે પાણી ભરાવવાની વિકટ સમસ્યા, મામલતદાર કચેરીએ ગ્રામજનોનો હલ્લો