ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં અચાનક મોટો કડાકો નોંધાયો છે. છેલ્લા બે દિવસની તેજી બાદ આજે ભાવ ઘટીને 350થી 600 રૂપિયા સુધી પહોંચ્યા છે. યાર્ડમાં ડુંગળીની 65 હજાર કટ્ટાની આવક થતાં ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે મોંઘા બિયારણ, ખાતર અને પરિવહન ખર્ચ વચ્ચે પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે.

65 હજાર કટ્ટાની જંગી આવકથી ભાવ દબાણમાં

યાર્ડમાં આજે લાલ ડુંગળીની આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો અને એક જ દિવસમાં કુલ 65000 કટ્ટાની જંગી આવક થવા પામી હતી. અચાનક માલનો પ્રવાહ વધી જવાના કારણે અને માગની સરખામણીએ આવક વધુ રહેતા હરાજીમાં લાલ ડુંગળીના ભાવ ઘટીને 350 થી 600 રૂપિયા સુધી બોલાયા હતા, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.


મોંઘા ખર્ચ સામે પોષણક્ષમ ભાવનો અભાવ

વર્તમાન સમયમાં ખેડૂતો માટે ડુંગળીનું વાવેતર કરવું મોંઘું સાબિત થઈ રહ્યું છે. મોંઘા બિયારણો, રાસાયણિક ખાતરો અને મજૂરી પાછળ અધધ ખર્ચ કર્યા બાદ યાર્ડમાં સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક મૂંઝવણ વધી ગઈ છે. મહેનતના પૂરા નાણાં ન મળવાથી ખેડૂતો પાયમાલીના આરે આવી ગયા છે.


પરિવહન ખર્ચના ડરે નીચા ભાવે વેચવા મજબૂર

ઘણા ખેડૂતો માલ પાછો લઈ જવામાં ભારે પરિવહન ખર્ચ થવાના ડરે અંતે નીચા ભાવે જ પોતાની ઉપજ વેચવા માટે મજબૂર બન્યા છે. બે દિવસના સારા ભાવ જોઈને ઉત્સાહિત થયેલા ખેડૂતો પર અચાનક આવેલી આ મંદીએ પાણી ફેરવી દીધું છે, ત્યારે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિકાલ લાવવામાં આવે તેવી ખેડૂતોની માગ છે.


આ પણ વાંચો: Bhavnagar News: કુંભારવાડા મીલની ચાલીમાં ગેસ કટીંગ દરમિયાન બ્લાસ્ટ બાદ આગ લાગી, 7 લોકો ઈજાગ્રસ્ત