જૈન ધર્મના મહાતીર્થ પાલીતાણા તળેટી ખાતે ધાર્મિક આરાધનાની સાથે રાષ્ટ્રભક્તિનો એક અનોખો અને દિવ્ય માહોલ જોવા મળ્યો હતો. પૂજ્ય બંધુ ત્રિપુટી–પૂજ્ય મુનિરાજ શ્રી આગમરત્નસાગરજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશમરત્નસાગરજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય મુનિરાજ શ્રી વ્રજરત્નસાગરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચાતુર્માસના અગ્રણી લાભાર્થી શ્રીમતી હંસાબેન ચંદ્રકાન્તભાઈ ચોકસીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ધર્મારાધના સાથે ભવ્ય 'તિરંગા યાત્રા'નું આયોજન
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે એક ભવ્ય 'તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મારાધનાની સાથે દેશપ્રેમની અલખ જગાવતી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતાં સમગ્ર પાલીતાણા તળેટી પરિસર જયઘોષ અને રાષ્ટ્રભક્તિના તરંગોથી ગુંજી ઊઠ્યું હતું.



