સંસ્કારી નગરી ભાવનગરમાં દિવાળીના પાવન પર્વની રોશની વચ્ચે અસામાજિક તત્વોની ખુલ્લેઆમ ગુંડાગીરી અને દાદાગીરીનો વધુ એક અત્યંત ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફુલસર વિસ્તારના મુખ્ય અને જાહેર માર્ગ પર કેટલાક માથાભારે શખ્સોએ હથિયારો સાથે ધસી આવી આતંક મચાવ્યો હતો. જાહેર રસ્તા પર પાર્ક કરેલી તેમજ પસાર થતી અનેક નિર્દોષ નાગરિકોની ગાડીઓ ઉપર બેફામ તોડફોડ કરવામાં આવી હતી. તહેવારના માહોલ વચ્ચે ખુલ્લેઆમ હથિયારો ઉલાળી સમગ્ર વિસ્તારને કલાકો સુધી બાનમાં લેતાં સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

હથિયારો સાથે આતંક, વાહનોના કાચ ફોડી ભય ફેલાવ્યો

 ફુલસર વિસ્તારમાં અચાનક કેટલાક અજાણ્યા અસામાજિક તત્વો હાથમાં ઘાતક હથિયારો લઈને જાહેર રોડ પર આવી પહોંચ્યા હતા અને ગાળાગાળી કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો.માથાભારે શખ્સોએ રસ્તાની આસપાસ પાર્ક કરેલી ચાર ચક્રી અને અન્ય ગાડીઓ પર હથિયારો વડે ઉપરાઉપરી ઘા ઝીંકી કાચ ફોડી નાખ્યા હતા અને વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તહેવારની રાત્રે અચાનક થયેલી આ હિંસક તોડફોડ અને બૂમાબૂમથી સ્થાનિક રહીશો ભયના માર્યા ઘરોમાં કેદ થઈ ગયા હતા અને બજારોમાં સન્નાટો છવાઈ ગયો હતો.તોડફોડ મચાવનારા આ શખ્સો કોણ હતા અને કઈ અદાવત કે કારણસર આ આતંક મચાવવામાં આવ્યો હતો તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

બોરતળાવ પોલીસ કાફલો ઘટનાસ્થળે

જાહેરમાં આતંક અને વાહનોમાં તોડફોડની જાણ થતાં જ બોરતળાવ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે વિસ્તારમાં પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને સ્થાનિકોને સુરક્ષાની ખાતરી આપી હતી.હુમલાખોરોની ઓળખ મેળવવા માટે પોલીસે ફુલસર વિસ્તારના જાહેર માર્ગો અને દુકાનોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કરી ખંગાળવાની તજવીજ હાથ ધરી છે.તહેવાર ટાણે શાંતિ ભંગ કરનારા આ અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરી ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: દિવાળી પર્વે 4 પરિવારોના દીવા બુઝાયા; સુરત, અમરેલી અને ભાવનગરમાં હત્યાથી અરેરાટી