પ્રકાશ, ઉમંગ અને ભાઈચારાના મહાપર્વ દિવાળીની રાત્રે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા અત્યંત ચિંતાજનક અને કાળજું ધ્રૂજાવી દેતા અહેવાલો સામે આવ્યા છે. સમગ્ર રાજ્ય જ્યારે દીવાઓની રોશની અને ફટાકડાના અવાજ વચ્ચે ઉજવણીમાં મગ્ન હતું, ત્યારે સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અસામાજિક તત્વોએ લોહીયાળ ખેલ ખેલ્યો હતો. માત્ર એક જ રાતમાં રાજ્યભરમાંથી ૪ અલગ-અલગ હત્યાઓ અને જીવલેણ હુમલાઓની ઘટનાઓ સામે આવતાં સમગ્ર પંથકમાં ભય અને અરેરાટી વ્યાપી ગઈ છે. સુરતમાં બે, અમરેલીના ખાંભામાં જૂથ અથડામણમાં એક અને ભાવનગરના કુંભારપરામાં એક યુવકની ઘાતક હથિયારો વડે નિર્મમ હત્યા કરવામાં આવી છે.
સુરતમાં બે અલગ-અલગ વિસ્તારોમાં 2 હત્યા
ડાયમંડ સિટી સુરતમાં દિવાળીની રાત્રે બે હત્યાઓની ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું. લિંબાયત-આઝાદનગર વિસ્તારમાં કલરકામ કરતા નિર્દોષ યુવક પર સાહિલ નામના શખ્સે તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખી હતી. મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં ગાંજો અને ગેરકાયદે દારૂનો વેપલો ચલાવતા અસામાજિક તત્ત્વો દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. સુરતના ભટાર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય અને નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું. જેમાં અસામાજિક તત્વોએ જાહેરમાં હુમલો કરી 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે નામના યુવાનની સરેરાહ હત્યા કરી નાખી હતી. ખટોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
અમરેલીના ખાંભામાં બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ,1 નું મોત
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી દિવાળીની રાત્રે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો. ખાંભાના ભગતવી પરા વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે જૂના મનદુઃખને લઈને મામલો બિચક્યો હતો. બંને પક્ષો તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી જતાં ભયાનક મારામારી શરૂ થઈ ગઈ હતી. આ અથડામણમાં છરીના ઘા ઝીંકી સુલતાનભાઈ દાઉદભાઈ સોલંકી નામના વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જ્યારે ૫ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર અંકુશ મેળવ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને ખાંભા અને અમરેલીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
ભાવનગરના કુંભારપરામાં 25 વર્ષીય યુવકનું ઢીમ ઢાળ્યું
ભાવનગર શહેરમાં પણ જૂની અદાવતની આગમાં હત્યાની ભયાનક ઘટના સામે આવી.પાર્સલ લેવા નીકળેલા રોહિતની હત્યા: કુંભારપરામાં રહેતો ૨૫ વર્ષીય રોહિત ઉર્ફે બટુ બુધાભાઈ બારૈયા દિવાળીની રાત્રે જમવાનું પાર્સલ લેવા ઘરેથી નીકળ્યો ત્યારે વિજય રાઠોડ, કાર્તિક રાઠોડ, રામો રાઠોડ સહિતના શખ્સોએ ઘેરી લઈ ધારિયા, છરી અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.માતા-પિતા પર જીવલેણ હુમલો: હત્યા કર્યા બાદ હુમલાખોરો મૃતકના ઘરે પહોંચ્યા હતા અને માતા-પિતા પર પણ હુમલો બોલાવ્યો હતો, જેમાં પિતા બુધાભાઈ બારૈયાને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા છે. ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી આરોપીઓને દબોચવા નાકાબંધી કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈસ્કોન-સાણંદ ઓવરબ્રિજનું લોકાર્પણ, 9 હજાર આવાસોનો ડ્રો અને વિકાસકાર્યોની લહાણી