ભાવનગર શહેરમાં શાંતિ અને કોમી સરહદને ડહોળવાનો પ્રયાસ કરતા કટ્ટરપંથી નેટવર્ક પર ભાવનગર પોલીસે મોટો પ્રહાર કર્યો છે. નફરત અને કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાના ચર્ચાસ્પદ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરીને કાવતરામાં સામેલ વધુ બે સક્રિય આરોપીઓની અટકાયત કરી લીધી છે.

ભાવનગરમાં કટ્ટરપંથી ષડયંત્રનો પર્દાફાશ

અગાઉ આ કેસમાં કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપવા અને ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરવાના આક્ષેપ હેઠળ મૌલાના મોહમ્મદ શરીફ અબ્બાસ મરેડીયાની ધરપકડ કરવામાં આવી હતી. અદાલત દ્વારા મૌલાનાના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આકરા પ્રશ્નોત્તરીમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરિતોના નામો સામે આવ્યા હતા. મૌલાના પાસેથી મળેલી સીધી કડીઓના આધારે પોલીસે દરોડો પાડી યુસુફભાઈ આરીફભાઈ મારફાણી અને અનસભાઈ મોહંમદસીદીક લાખાણીની અટકાયત કરી છે.

ઉશ્કેરણીજનક સાહિત્ય અને રાષ્ટ્રીય એકતા સામે જોખમ

પોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, આરોપીઓ દ્વારા સ્થાનિક સ્તરે ધાર્મિક વૈમનસ્ય ફેલાવવા માટે ઉશ્કેરણીજનક લખાણો, ડિજિટલ સામગ્રી અને વિવાદિત સાહિત્યનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ પ્રવૃત્તિઓ દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડે તેવી હોવાથી પોલીસે તેમની સામે કડક કાનૂની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.ભાવનગર પોલીસ એ બાબતની પણ તપાસ કરી રહી છે કે આ આરોપીઓને બહારથી કે કોઈ કટ્ટરપંથી સંગઠનો તરફથી કોઈ આર્થિક કે લોજિસ્ટિક સહાય મળતી હતી કે કેમ. મૌલાનાના બાકીના રિમાન્ડ દરમિયાન આ ષડયંત્રના મૂળિયાં કેટલાં ઊંડાં છે અને તેમાં અન્ય કેવા મોટા ચહેરાઓ સામેલ છે તે અંગે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની પૂરતી શક્યતા છે.

આ પણ વાંચો: Navsari Rain: નવસારીમાં મેઘતાંડવ અને પૂરની આફત! જિલ્લાના 170 રસ્તાઓ બંધ, 30થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું