દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું સૌથી રૌદ્ર સ્વરૂપ નવસારી જિલ્લામાં જોવા મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લામાં 10 ઇંચ જેટલો સરેરાશ વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબાકાર થયો છે. પહાડી પંથક ગણાતો વાંસદા તાલુકો 17 ઇંચથી વધુ અનરાધાર વરસાદ સાથે ગુજરાતનું ‘ચેરાપુંજી’ સાબિત થયો છે, જ્યારે ખેરગામ તાલુકામાં પણ 14 ઇંચથી વધુ પૂર જેવો વરસાદ વરસી પડ્યો છે.
નવસારી જિલ્લામાં મેઘરાજાનું સૌથી રૌદ્ર સ્વરૂપ
આ આકાશી આફતના કારણે વાંસદા તાલુકામાં આવેલો મહત્વનો જૂજ ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ગયો છે. જૂજ ડેમમાંથી પાણીનો મોટો જથ્થો છોડાતાં જ તંત્ર દ્વારા વાંસદા તાલુકાના 17 જેટલા નીચાણવાળા ગામો તેમજ હેઠવાસની તમામ વસાહતોને તાત્કાલિક અસરથી હાઇએલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડેલા તોફાની વરસાદથી અંબિકા અને કાવેરી નદીઓ ગાંડીતૂર બનીને ભયજનક સપાટી વટાવી ચૂકી છે.
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું પૂર સંકટ
બીજી તરફ નવસારી શહેર પર પણ પૂરનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદી 20 ફૂટની ભયજનક સપાટી પર વહી રહી છે. વાતાવરણ અને પાણીની આવક જોતાં સાંજના સમય પછી નવસારી શહેરના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશવાની પૂરતી શક્યતા છે. સ્થિતિની ગંભીરતા જોઈને નવસારી પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સચેત કરવા લાઉડસ્પીકર મારફતે સતત ચેતવણી આપી સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ રહી છે.
બીલીમોરામાં દેસરા અને વાડિયા શીપયાર્ડ જળમગ્ન
નવસારીના બીલીમોરા શહેરમાં પણ વરસાદી પૂરથી ભારે હાલાકી સર્જાઈ છે. બીલીમોરાના વાડિયા શીપયાર્ડ વિસ્તારના આશરે 150 ઘરોમાં અને દેસરા વિસ્તારના 200થી વધુ ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ઘરોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિ વિકટ બનતાં SDRF ની ટીમે મોરચો સંભાળ્યો હતો. SDRF ની ટીમે બોટ (રબર બોટ) ની મદદથી દેસરા, રામજી મંદિર અને મેમણ કોલોની વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 30થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢી રેસ્ક્યૂ કર્યા હતા. તમામ સ્થળાંતરિત લોકોને બીલીમોરાના શેલ્ટર હોમ ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં 170 જેટલા રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં માર્ગ વ્યવહાર ખોરવાયો છે.
આ પણ વાંચો: Ahmedabad News: દિપડાના વાયરલ થયેલા વીડિયોને લઈ વન વિભાગે કરી સ્પષ્ટતા, જાણો વન મંત્રીએ શું કહ્યું?