અમદાવાદમાં દીપડો દેખાયો હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે વાઈલ્ડ લાઈફ PCCF દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.વન વિભાગની સ્પષ્ટતા અનુસાર વાયરલ થયેલા વીડિયોમાંથી એક વીડિયોને મોર્ફ કરવામાં આવ્યો છે.જેમાં કાર નીચેથી માત્ર કૂતરું જ નીકળતું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજો વીડિયો અમદાવાદનો નહીં પરંતુ મહારાષ્ટ્રનો હોવાનું ખુ્લ્યું છે.વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બનાવટી અને મોર્ફ કરેલા વીડિયો વાયરલ કરીને લોકોમાં ખોટો ડર અને અફવા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.તેથી નાગરિકોએ આવી અફવાઓથી દોરવાવું નહીં.
ફોરેસ્ટ વિભાગની રેસ્ક્યુ ટીમ 24 કલાક તૈનાત
વનમંત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે, બોપલ-ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાના અહેવાલો બાદ ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક ધોરણે થર્મલ સ્કેનિંગ અને ડ્રોનની મદદથી અનેક કિલોમીટર વિસ્તારમાં રાત-દિવસ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.હાલ બોપલ-ઘુમા વિસ્તારમાં કે છેલ્લા ત્રણ દિવસથી માનવ વસાહતમાં દીપડાની કોઈ હાજરી નોંધાઈ નથી અને તે અન્ય દિશામાં નીકળી ગયો હોવાની પ્રાથમિક શક્યતા છે.રાહતની વાત એ છે કે અત્યાર સુધી દીપડાના હુમલાથી કોઈ માનવ જાનહાનિ કે પશુહાનિ થઈ નથી.ફોરેસ્ટ વિભાગની રેસ્ક્યુ ટીમ 24 કલાક તૈનાત છે અને રાત્રિના સમયે પણ થર્મલ સ્કેનિંગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાતમાં અંદાજે 3000 જેટલા દીપડાઓ છે
વનમંત્રીએ નાગરિકોને ન ગભરાવા, અફવાઓ તથા સોશિયલ મીડિયાના ભ્રામક વીડિયોથી દૂર રહેવા અને નિશ્ચિંત રહેવા અપીલ કરી છે.કુદરતી નિવાસસ્થાનમાં ફેરફાર અને વધતી વસ્તીને કારણે માનવ અને વન્યજીવોનો સંપર્ક વધી રહ્યો હોવાનું જણાવતાં વનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે ગુજરાતમાં અંદાજે 3000 જેટલા દીપડાઓ છે.તેમણે લોકોને સલાહ આપી છે કે વન્યજીવ દેખાય તો તેને હેરાન ન કરવો કે તેના પર હુમલો ન કરવો, પરંતુ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ કે વહીવટી તંત્રને જાણ કરવી.સુરક્ષિત રીતે રેસ્ક્યુ હાથ ધરી શકાય તે માટે ફોરેસ્ટ વિભાગને ત્વરિત જાણ કરવી એ જ સૌથી યોગ્ય રીત છે.









