ભાવનગરના ઘોઘા તાલુકાના ઉખરલા ગામે વાડી વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં 3 યુવકોના મોત નીપજતાં સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં વાડી માલિક મહાવીરસિંહ દ્વારા મીડિયા સમક્ષ સનસનાટીભર્યો ખુલાસો કરવામાં આવ્યો છે.
જુગાર રમી રહેલા યુવકોમાં ભારે નાસભાગ મચી
તેમના જણાવ્યા અનુસાર, વાડીમાં કેટલાક યુવકો જુગાર રમી રહ્યા હતા ત્યારે ખાનગી આઉટફિટ (સાડા ડ્રેસ) માં 2 પોલીસ કર્મચારીઓ ત્યાં રેડ પાડવા પહોંચ્યા હતા. પોલીસને જોઈને જુગાર રમી રહેલા યુવકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પોલીસ પકડથી બચવા માટે ભાગદોડ દરમિયાન 4 યુવકો નજીકમાં આવેલા કૂવામાં ખાબક્યા હતા, જેમાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી 3 યુવકોના કરુણ મોત નીપજ્યા હતા.
DySP અને વરતેજ પોલીસે રેડનો કર્યો સંપૂર્ણ ઈનકાર
બીજી તરફ આ ઘટના અંગે ભાવનગરના ડીવાયએસપી (DySP) અને વરતેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. અંકુશિત કાયદાકીય વલણ અપનાવતા પોલીસે દાવો કર્યો છે કે, વરતેજ પોલીસ કે સ્થાનિક ડી-સ્ટાફ દ્વારા આવી કોઈ જ રેડ પાડવામાં આવી નહોતી.
ઉખરલામાં 3 યુવકોના મોત અંગે સસ્પેન્સ
ખુદ વાડી માલિક સ્થળ પર પોલીસ આવ્યા બાદ જ દુર્ઘટના બની હોવાનું જણાવી રહ્યા છે, જ્યારે પોલીસ તંત્ર રેડની વાતને સંપૂર્ણપણે નકારી રહ્યું છે. સ્થાનિક ચર્ચા મુજબ, ઘટના બન્યા બાદ સ્થળ પરથી મળી આવેલા અન્ય જુગાર રમતા ઈસમોને વરતેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ રૂમમાં સવારથી બેસાડી રાખવામાં આવ્યા છે. સ્થાનિકો અને મૃતકોના પરિવારજનો દ્વારા આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય સામે આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad: નીતિન પટેલની પોસ્ટથી રાજકારણ ગરમાયું, રોહન ગુપ્તાને બાદ કરી મૂળ ભાજપીઓને જ આપ્યા અભિનંદન