ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનમાં નવી નિમણૂકો અને જવાબદારીઓની જાહેરાત કરવામાં આવ્યા બાદ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પરથી નવનિયુક્ત પદાધિકારીઓને શુભકામનાઓ આપતી એક પોસ્ટ શેર કરી હતી.

પૂર્વ ડે. સીએમ નીતિન પટેલની પોસ્ટથી ભાજપમાં આંતરિક ગરમાવો

આ પોસ્ટમાં તેમણે પક્ષના ત્રણ અગ્રણી નેતાઓ જગદીશ પટેલ, વર્ષાબેન દોશી અને હેમાંગ જોશીને વિશેષ રૂપે અભિનંદન પાઠવ્યા હતા. આ ત્રણેય નેતાઓ મૂળ ભાજપના કેડરબેઝ્ડ અને વર્ષોથી સંઘ-પક્ષ સાથે જોડાયેલા સંગઠનનિષ્ઠ ચહેરાઓ ગણાય છે. નીતિન પટેલની આ પોસ્ટ સામે આવતાની સાથે જ રાજકીય નિરીક્ષકોનું ધ્યાન એ વાત પર ગયું કે પક્ષમાં જેમને રાષ્ટ્રીય મંત્રી જેવો મહત્વનો હોદ્દો સોંપવામાં આવ્યો છે તેવા રોહન ગુપ્તાનો આ પોસ્ટમાં કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

રોહન ગુપ્તાનો ઉલ્લેખ ન કરાતાં રાજકારણ ગરમાયું

રોહન ગુપ્તા મૂળ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મોટો ચહેરો હતા, જેઓ લોકસભા ચૂંટણી પહેલાં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા.ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ કે અન્ય પક્ષોમાંથી આવતા નેતાઓને તાત્કાલિક મોટા હોદ્દાઓ આપવા સામે મૂળ ભાજપી કાર્યકરો અને જૂના નેતાઓમાં અંદરોઅંદર અસંતોષ હોવાની ચર્ચા અવારનવાર ઊઠતી રહી છે.નીતિન પટેલ જેવા વરિષ્ઠ નેતા દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં રોહન ગુપ્તાની બાદબાકી કરવી એ માત્ર સંયોગ છે કે પછી પક્ષપલટુઓ સામેનો પરોક્ષ સંદેશ, તે અંગે ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો: Daman: સેશન્સ કોર્ટે ઈ-સ્ટે અરજી ના મંજૂર કરતાં સાંસદ ઉમેશ પટેલનું સાંસદ પદ લટકતી તલવાર પર