ભુજ ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ભ્રષ્ટાચાર સામે મોટી સફળતા મેળવી છે. ભુજ સ્થિત ખાણ-ખનીજ વિભાગની કચેરીમાં IT એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા જીનીશ નિતિનભાઈ આચાર્ય અને તેના મદદગાર એવા આશિષ કાળુભાઈ આચવડીયાને રૂ. 50,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ફરિયાદીનું ખાણ-ખનીજ વિભાગનું લીઝ એકાઉન્ટ બ્લોક થઈ ગયેલું હોય, જેને ઓનલાઇન અનલોક કરી આપવાના કામ પેટે IT એક્ઝિક્યુટિવ જીનીશ આચાર્ય દ્વારા રૂ. 50,000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી.

ભુજમાં ખાણ-ખનીજ વિભાગમાં ACBની સફળ ટ્રેપ

ફરિયાદી લીઝ ધારક આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક કચ્છ ACB નો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB ની ટીમે વિધિવત રીતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ACB ની યોજના મુજબ, ભુજના મુન્દ્રા રોડ પર આવેલા એરોપ્લેન સર્કલ પાસે જોષી દહીંવડા સેન્ટર નજીક ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

લીઝ એકાઉન્ટ અનલોક કરવા માટે માંગી હતી લાંચ

આ છટકા દરમિયાન IT એક્ઝિક્યુટિવ જીનીશ આચાર્યના કહેવા મુજબ વચેટિયા આશિષ કાળુભાઈ આચવડીયાએ ફરિયાદી પાસેથી રૂ. 50,000 ની લાંચ સ્વીકારી હતી. રકમ સ્વીકારતા જ સ્થળ પર તૈનાત ACB ની ટીમે બંને આરોપીઓને કોર્ડન કરીને દબોચી લીધા હતા. ACB એ સ્પોટ પરથી લાંચના રૂ. 50,000 રિકવર કરી બંને આરોપીઓ વિરુદ્ધ એકબીજાની મદદગારીથી ભ્રષ્ટાચાર નાબૂદી કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: મનપાના સિક્યુરિટી ઓફિસર 25 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા