ભુજ શહેરમાં કમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અને વાયરિંગ મેઇન્ટેનન્સ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. ભુજના હાર્દ સમાન અને સતત ટ્રાફિકથી ધમધમતા કોલેજ રોડ પર આવેલ 'ONYX' કોમ્પ્લેક્સમાં આજે અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી. કોમ્પ્લેક્સના વાયરિંગ અથવા કંટ્રોલ પેનલમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે તણખા ઝર્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગી
આ આગ બિલ્ડિંગના મુખ્ય એક્ઝિટ ગેટ (નિકાસ દ્વાર) ની બિલકુલ નજીક લાગી હોવાથી ગેટ પરથી મોટા પાયે કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. બહાર નીકળવાનો મુખ્ય રસ્તો જ આગની ઝપેટમાં આવી જતાં કોમ્પ્લેક્સની દુકાનો અને ઓફિસોમાં હાજર ગ્રાહકો તેમજ વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, સ્થાનિક લોકો અને દુકાનદારોએ સમયસૂચકતા વાપરીને તાકીદે ફાયર બ્રિગેડને આ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી.
