ગુજરાતમાં વરસાદના એક રાઉન્ડ બાદ ચોમાસુ નબળુ પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં ફરીવાર વરસાદે મહેર શરૂ કરી છે. ત્યારે પશુપાલકોને ઓછા વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઘાસચારાનો અભાવ હોવાથી પશુઓને ચરાવવા માટે મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. આ માટે રાજ્ય સરકારે કચ્છ જિલ્લાના પશુપાલકો માટે મોટો નિર્ણય લીધો છે. 

પશુપાલકોને રાહત આપવાનો નિર્ણય લેવાયો

ગુજરાત સરકારે કચ્છ જિલ્લાના પશુપાલકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. કચ્છ પંથકમાં પ્રવર્તી રહેલી અછતની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સ્થાનિક પશુપાલકોને આર્થિક કટોકટીમાંથી ઉગારવા અને મોટી રાહત આપવા માટે સત્તાવાર જાહેરાત કરી છે. આ કપરા સમયમાં પશુપાલકો પોતાના પશુધનને સરળતાથી સાચવી શકે તે માટે સરકાર લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો બાદ એક્શન મોડમાં આવી છે. સરકાર દ્વારા લેવાયેલા આ લોકહિતના નિર્ણય અંતર્ગત, અછતગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકોને પશુદીઠ પ્રતિ દિવસ 4 કિલો ઘાસ રાહત દરે પૂરું પાડવામાં આવશે.

ઘાસ માત્ર ₹2 પ્રતિ કિલોના રાહત ભાવે ઉપલબ્ધ કરાશે

સરકારે પશુઓના નિભાવ માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા ગોઠવી દીધી છે, જેથી કોઈપણ પશુપાલકને પોતાના પશુઓ માટે ભટકવું ન પડે અને નિયમિત ધોરણે પૂરતો જથ્થો મળી રહે. સૌથી મોટી રાહતની વાત એ છે કે આ ઘાસ પશુપાલકોને માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોના અત્યંત સસ્તા અને રાહત ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યમાં કિંમતી પશુધનને ભૂખમરાથી બચાવવા અને સરહદી જિલ્લાના માલધારીઓનું અર્થતંત્ર ભાંગી ન પડે તે માટે સરકારે આ સબસિડી વાળો રાહત દર નક્કી કર્યો છે. સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી કચ્છના હજારો પશુપાલક પરિવારોમાં ભારે આનંદ અને રાહતની લાગણી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચોઃ Surat Weather: શહેરમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી