કચ્છના મુખ્ય મથક ભુજમાંથી મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે. ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક સગીરાના અપહરણ અને તેના પર આચરવામાં આવેલા દુષ્કર્મના ગંભીર કેસમાં કડક વલણ અપનાવ્યું છે. આ ચકચારી કેસની વિગત એવી છે કે, આરોપી મોહસીન હિંગોરા સામે અગાઉ માનકુવા પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.
પુરાવા અને સાક્ષીઓની જુબાની બની મહત્વની
આ કેસની સુનાવણી ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટ સમક્ષ ચાલી રહી હતી. સરકારી વકીલ અને પોલીસ તંત્ર દ્વારા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો અને મજબૂત પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા દરમિયાન માનનીય કોર્ટ દ્વારા કુલ 23 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેસની કડીઓ જોડવા માટે 12 જેટલા મહત્વના સાક્ષીઓની ઝીણવટભરી તપાસ અને જુબાની લેવામાં આવી હતી.













