કચ્છના ભુજ તાલુકાના રાયધણપર ગામે જૂથ અથડામણ અને પથ્થરમારાની કમનસીબ ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ભુજ પોલીસ હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે માત્ર ગુનેગારોની અટકાયત કરવા પૂરતું સીમિત ન રહીને, આવા તત્વો જે ગેરકાયદે આશ્રયસ્થાનો અને સુવિધાઓ ભોગવી રહ્યા છે તેની પર સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરી દીધી છે.
પીજીવીસીએલની ટીમને સાથે રાખી મેગા ડ્રાઇવ
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પથ્થરમારાની ઘટના સાથે સંકળાયેલા અને વરનોરા વિસ્તારમાં રહેતા કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે વીજળીનો વપરાશ કરી રહ્યા છે. આથી પોલીસે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) ના ઉચ્ચ અધિકારીઓ અને લાઇનમેનોના કાફલાને સાથે રાખીને વરનોરામાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન લંગરિયા (ડાયરેક્ટ કનેક્શન) દ્વારા ચાલતા ૧૩ જેટલા રહેણાક મકાનોના ગેરકાયદેસર વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા અને વીજચોરીના કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
