સુરત ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે. વડોદરા પોલીસ મથકમાં નોંધાયેલા હાઈપ્રોફાઈલ એમડી (MD) ડ્રગ્સના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ એવા સુરતના રીઢા ગુનેગાર શુભમ ઉર્ફે લક્કીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી એટલો શાતિર હતો કે તે પોલીસના રડારમાં ન આવે તે માટે ડિજિટલ ફૂટપ્રિન્ટ છોડતો ન હતો, પરંતુ આખરે બાતમીદારોના નેટવર્કના કારણે તે કાયદાના સિકંજામાં આવી ગયો છે.

ગર્લફ્રેન્ડના ખાતાનો ઉપયોગ અને બચવાની પેંતરાબાજી

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, શુભમ ઉર્ફે લક્કી વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે એમડી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. ડ્રગ્સના વેચાણમાંથી જે લાખો રૂપિયાની કમાણી થતી હતી, તે સીધી પોતાના ખાતામાં લેવાને બદલે પોલીસથી બચવા માટે પોતાની ગર્લફ્રેન્ડના બેંક ખાતામાં ઓનલાઈન મંગાવતો હતો. વડોદરા પોલીસ પોતાના સુધી ન પહોંચે તે માટે તેણે સ્માર્ટફોન વાપરવાનું તદ્દન બંધ કરી દીધું હતું અને તે કોઈ એક જગ્યાએ સ્થિર રહેવાને બદલે વારંવાર પોતાના આશ્રયસ્થાનો બદલતો રહેતો હતો.

અગાઉ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવણી

ઝડપાયેલો આરોપી શુભમ ઉર્ફે લક્કી કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ સુરત પોલીસ ચોપડે ચડી ચૂકેલો રીઢો આરોપી છે. તેની વિરુદ્ધ અગાઉ સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ધાડ, ગેરકાયદેસર હથિયાર રાખવા (આર્મ્સ એક્ટ), જીવલેણ હુમલો અને મારામારી તેમજ શહેરની હદમાંથી તડીપાર કર્યા બાદ પણ નિયમોનો ભંગ કરવા (તડીપાર ભંગ) જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે હાલ ગુનેગાર શુભમની અટકાયત કરી છે અને કાયદેસરની કાગળિયા કાર્યવાહી પૂર્ણ કરી તેને વડોદરા પોલીસને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે, જેથી વડોદરા ડ્રગ્સ કેસના મુખ્ય સપ્લાયરો સુધી પહોંચી શકાય.

આ પણ વાંચો: Gujarat Weather News: રાજ્યમાં ઓરેન્જ એલર્ટ સાથે માવઠાની આગાહી, મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો