કચ્છ જિલ્લાના ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર કાળજું કંપાવી દે તેવો એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા ટ્રેલર અને એક કાર વચ્ચે સર્જાયેલી ગમખ્વાર ટક્કરમાં ઉત્તરાખંડથી કચ્છ ફરવા આવેલા એક જ પરિવારના 3 બાળકો સહિત કુલ 7 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે કારના બે કટકા થઈને સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો અને રસ્તા પર મૃતદેહો વેરવિખેર થઈ ગયા હતા.
ધોરડોથી પરત ફરતી વખતે ઉત્તરાખંડના પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત
મળતી વિગતો અનુસાર, ઉત્તરાખંડનો એક પરિવાર કચ્છના પ્રવાસે આવ્યો હતો. આ પરિવાર સફેદ રણ ધોરડોની મુલાકાત લઈને કાર મારફતે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર સામેથી આવતા તોતિંગ ટ્રેલર સાથે કારની ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ માસૂમ બાળકો સહિત પરિવારના સાતેય સભ્યો ગંભીર રીતે કચડાઈ જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.
