કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના નારાણપર ગામે તહેવારના પવિત્ર દિવસો દરમિયાન કાળમુખા અકસ્માત બાદ ભારેલા અગ્નિ જેવી અતિ તંગદિલીભરી પરિસ્થિતિ સર્જાઈ છે. નારાણપર બેંક નજીક એક બેફામ દોડતી કાર અને બે મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ કાળજું ધ્રૂજાવી દેતી દુર્ઘટનામાં બાઈક સવાર બે આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે આક્રોશ ફેલાયો હતો. તહેવારના દિવસે જ પરિવારના આધારસ્તંભ સમાન બે જુવાનજોધ દીકરાઓના કરૂણ મોતથી સમાજ અને પરિવારોમાં રોષનો દાવાનળ ભભૂકી ઊઠ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે એકઠા થયેલા સેંકડો લોકોના ટોળાએ બેકાબૂ બનીને ભારે તોડફોડ મચાવી હતી અને અકસ્માત સર્જનારી કારને આગ ચાંપી દેતાં વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું હતું.

કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કરમાં 2 યુવકોના મોત 

નારાણપર ગામે બેંક પાસેના માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને સામેથી આવતા બે અલગ-અલગ બાઈક વચ્ચે પ્રચંડ ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈકના ફુરચેફુરચા ઊડી ગયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવાનો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા અને તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.અકસ્માતની જાણ થતાં જ આસપાસના વિસ્તારો અને ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તહેવારના ટાણે જ બનેલી આ ઘટનાથી લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી તેને આગને હવાલે કરી દીધી હતી. ધૂ-ધૂ બળતી કાર અને તોડફોડના દ્રશ્યોથી નારાણપર ગામમાં અફરાતફરી મચી ગઈ હતી.

સ્થળ પર મોટો પોલીસ કાફલો ખડકાયો

તોડફોડ અને આગચંપીની ઘટનાની ગંભીરતાને જોતાં ભુજ ડિવિઝનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તાબડતોબ નારાણપર ગામે પહોંચી ગયો હતો.પોલીસે સમયસૂચકતા વાપરીને ટોળાને વિખેરી પરિસ્થિતિ પર અંકુશ મેળવ્યો હતો અને ફાયર બ્રિગેડની મદદથી સળગતી ગાડીની આગ પર કાબૂ મેળવ્યો હતો.મૃતક બંને યુવકોના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ગામમાં વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી નારાણપર બેંક ચોક સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત તેમજ ત્યારબાદ થયેલી આગચંપી અને હિંસા સંદર્ભે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: સિવિલ હોસ્પિટલમાં મહિલા સાથે સિક્યુરિટી ગાર્ડે છેડતી કરી, વોર્ડમાં પુરુષ ગાર્ડના પ્રવેશને લઈને હોસ્પિટલ તંત્ર સામે ગંભીર સવાલો