રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદ અને સુરક્ષાની બેદરકારીના ભરડામાં સપડાઈ છે. સિવિલ કેમ્પસમાં આવેલી અને ખાસ મહિલાઓ તથા બાળકો માટે અલાયદી ગણાતી ‘જનાના હોસ્પિટલ’માં સુરક્ષાની જવાબદારી સંભાળતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ સારવાર અર્થે આવેલી એક લાચાર માતાની બીભત્સ છેડતી કરવામાં આવી હોવાનો અત્યંત શરમજનક બનાવ સામે આવ્યો છે. મહિલા પોતાના દોઢ વર્ષના માસૂમ બાળકને વોર્ડમાં દૂધ પીવડાવી રહી હતી તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ અંદર ઘૂસી આવ્યો હતો અને ગેરવર્તણૂક આચરી હતી. આ ઘટનાથી હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો છે અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતાં કાનૂની તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
બાળકને સ્તનપાન કરાવતી માતા પર નજર બગાડી
ગીર સોમનાથ જિલ્લાની એક મહિલા પોતાના દોઢ વર્ષના બીમાર બાળકની સારવાર કરાવવા માટે રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે દાખલ થઈ હતી.પીડિતા પોતાના વ્હાલસોયા બાળકને શાંત રાખી વોર્ડની અંદર દૂધ પીવડાવી રહી હતી, તે જ સમયે સુરક્ષા માટે તૈનાત સિક્યુરિટી ગાર્ડ અચાનક વોર્ડમાં ધસી આવ્યો હતો. મહિલાને એકાંતમાં જોઈ તેણે શરમ નેવે મૂકીને અડપલાં અને બીભત્સ છેડછાડ કરી હોવાનો ગંભીર આરોપ પીડિતાએ લગાવ્યો છે.અચાનક બનેલી આ ઘટનાથી ડર્યા વગર મહિલાએ તરત જ જોરજોરથી દેકારો અને બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના વોર્ડમાંથી ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ તાબડતોબ દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો થતો જોઈ ભાંડો ફૂટી જવાના ડરથી સિક્યુરિટી ગાર્ડ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
