બોરસદ-ડભાસી માર્ગ પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારો માટે એક સ્વિફ્ટ કાર કાળ બનીને ત્રાટકી હતી. લાઇફલાઇન હોસ્પિટલ નજીકથી જ્યારે બન્ને મોટરસાયકલ ચાલકો પોતાના નિયત માર્ગે પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂર ઝડપે અને કોઈ પણ જાતના નિયંત્રણ વગર આવતી એક સ્વિફ્ટ કારના ચાલકે બન્ને બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી.

બાળકી સહિત ત્રણ લોકો રસ્તા પર પટકાયા

કારની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર વાગતાની સાથે જ બન્ને બાઈક પર સવાર નાગરિકો હવામાં ફંગોળાઈને દૂર રોડ પર પટકાયા હતા. આ ગંભીર દુર્ઘટનામાં બાઈક પર સવાર એક નાની માસૂમ બાળકી સહિત કુલ ત્રણ લોકોને નાની-મોટી અને ગુપ્ત ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે રોડ પર ચીસાચીસ થતાં આસપાસના દુકાનદારો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

108 મારફતે તાત્કાલિક સારવાર શરૂ

સદનસીબે આ અકસ્માત હોસ્પિટલની બિલકુલ નજીક જ સર્જાયો હોવાથી અને સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી ત્વરિત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરતાં લોહીલુહાણ હાલતમાં રહેલા ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ બોરસદ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઇડમાં કરાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને બેફામ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:  Bhavnagar: શેત્રુંજી ડેમમાં 1.51 લાખ ક્યુસેક પાણીની આવક, બપોરે ઓવરફ્લો થવાની સંભાવના