ભાવનગર જિલ્લા માટે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ અત્યારે તેના રૌદ્ર અને ભવ્ય સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. અમરેલી, ધારી અને ગીરના જંગલ વિસ્તારમાં ગઈકાલથી વરસી રહેલા કલાટોડ વરસાદના કારણે તમામ સ્થાનિક નદીઓનું પાણી આ ડેમના સ્ત્રાવ વિસ્તારમાં આવી રહ્યું છે. જેના પરિણામે ડેમમાં અત્યાર સુધીની સૌથી મોટી પાણીની આવક નોંધાઈ છે. કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ, ડેમમાં હાલ 1,51,310 ક્યુસેક જેટલો પ્રચંડ પાણીનો પ્રવાહ ધસી રહ્યો છે, જે મિનિટે-મિનિટે ડેમની સપાટીમાં મોટો વધારો કરી રહ્યો છે.

બપોર સુધીમાં ઓવરફ્લો થવાની સંભાવના

શેત્રુંજી ડેમની કુલ ક્ષમતા 34 ફૂટની છે અને આજે સવારે જ સપાટી ૩૦.૩ ફૂટને વટાવી ગઈ છે. જો ઉપરવાસમાંથી પાણીની આવકની આ જ ગતિ યથાવત રહેશે, તો આજ બપોર સુધીમાં જ ડેમ તેની મહત્તમ સપાટી વટાવીને ઓવરફ્લો થઈ જશે. ડેમ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે પૂરના પાણીના નિકાલ માટે ડેમના તમામ 59 દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવી શકે છે. સિંચાઈ વિભાગના એન્જિનિયરોની ટીમ ડેમની સાઇટ પર 24 કલાક મોનિટરિંગ કરી રહી છે.

પાલીતાણા-તળાજાના ગામો સાવધ, સ્થળાંતરની તૈયારી

ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની ભીતિને પગલે ભાવનગર જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સક્રિય થઈ ગઈ છે. પાલીતાણા અને નદીના વહેણની નીચે આવતા તળાજા તાલુકાના તમામ નીચાણવાળા ગામોમાં સત્તાવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક મામલતદારો અને સરપંચોને વડામથક ન છોડવા અને નદી કાંઠાના ઘરોમાં રહેતા લોકોને જરૂર પડ્યે સલામત સ્થળે ખસેડવા માટે વાહનોની વ્યવસ્થા રાખવા આદેશ કરાયા છે. તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા અને પૂરની સ્થિતિ પર નજર રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: પાંડેસરામાં રિક્ષામાં એકલી યુવતી જોઈ ત્રણ શખ્સોએ લાજ લેવાનો પ્રયાસ કર્યો, હિંમતવાન યુવતીએ નોંધાવી ફરિયાદ