શહેરમાં અસામાજિક અને વિકૃત માનસિકતા ધરાવતા તત્વો બેફામ બન્યા હોય તેવો કિસ્સો પાંડેસરા પંથકમાંથી પ્રકાશમાં આવ્યો છે. રોજગાર અને રહેણાંકના મુખ્ય હબ ગણાતા પાંડેસરા વિસ્તારમાં એક યુવતી ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન રિક્ષામાં સવાર અન્ય ત્રણ યુવકોએ યુવતીને એકલી જોઈને તેની સાથે અસભ્ય વર્તન શરૂ કર્યું હતું. આ શખ્સો એટલા બેફામ બન્યા હતા કે તેઓએ યુવતીની છેડતી કરી તેની લાજ લેવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો.
યુવતીની સતર્કતા અને પોલીસની સિંઘમ સ્ટાઇલ કામગીરી
આ શરમજનક ઘટના બાદ ભોગ બનનાર યુવતી જરાય ડર્યા વગર સીધી પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી નરાધમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી. મહિલા ગુનાખોરી અંગે અત્યંત સંવેદનશીલ એવી સુરત પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા.
