અમદાવાદની ઐતિહાસિક અને જગપ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર રૂટ પર શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કમર કસવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજિક તત્વો પર ધાક બેસાડવા અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવા માટે આજે એક ભવ્ય ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
50 થી વધુ વાહનોના કાફલા સાથે શક્તિપ્રદર્શન
આ ફ્લેગમાર્ચ જમાલપુર સ્થિત નિજ મંદિરથી પ્રસ્થાન થઈને રથયાત્રાના પરંપરાગત માર્ગો જેવા કે ખાડિયા, કાલુપુર, દરિયાપુર અને શાહપુર થઈને ભગવાનના મોસાળ સરસપુર સુધી પહોંચી હતી. આ કવાયતની મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં ૫૦ થી વધુ પોલીસ વાહનો જોડાયા હતા, જેમાં પીસીઆર (PCR) વાન, ક્યુઆરટી (QRT) ટીમની ગાડીઓ અને વિશેષ સુરક્ષા વાહનો સામેલ હતા. સાયરનના ગડગડાટ સાથે નીકળેલા આ કાફલાએ સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.
