અમરેલી જિલ્લામાં કાળાડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયેલા અનરાધાર વરસાદે સમગ્ર જિલ્લાને ઘમરોળી નાખ્યો છે. રાજુલામાં ૯ ઈંચ અને ધારી પંથકમાં ૭ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યા બાદ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં કોઝવે અને રસ્તાઓ ધોવાઈ જવાની કે પાણીમાં ગરકાવ થવાની ઘટનાઓને પગલે વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકે તેમ ન હોવાથી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે મોટો નિર્ણય લેવાયો છે.

પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ

શિક્ષણ વિભાગના સત્તાવાર આદેશ અનુસાર, જિલ્લાના સૌથી વધુ વરસાદી પ્રભાવ ધરાવતા ૫ તાલુકાઓ- સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારીની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓ આજે બંધ રાખવામાં આવી છે. આ તાલુકાઓના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં શાળાએ જતા નાના બાળકો પૂરના પાણી કે કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે વગર્ ખંડે શૈક્ષણિક પ્રવૃત્તિઓ મોકૂફ રાખવામાં આવી છે.

સ્થિતિ સુધર્યા બાદ અન્ય તાલુકા અંગે અહેવાલ

જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ની યાદીમાં જણાવ્યા મુજબ, આ ૫ તાલુકા સિવાયના અમરેલી જિલ્લાના અન્ય તાલુકાઓ (જેમ કે બાબરા, લાઠી, લીલીયા, બગસરા વગેરે) માં હાલ શાળા ચાલુ રાખવામાં આવી છે. પરંતુ ત્યાંના સ્થાનિક વહીવટી તંત્ર, મામલતદાર અને સીઆરસી (CRC) ને સૂચના આપવામાં આવી છે કે જો કલાકો દરમિયાન વરસાદનું જોર વધે અથવા સ્થાનિક સ્તરે પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય, તો પરિસ્થિતિને આધીન થઈને જે-તે શાળા કે તાલુકા પૂરતી રજા જાહેર કરી શકાશે. વહીવટી તંત્ર દ્વારા વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન બાળકોને કારણ વગર ઘરની બહાર ન મોકલે અને સુરક્ષિત સ્થાને રાખે.

આ પણ વાંચો: Monsoon 2026 : 4 સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, રાજુલા 11 ઈંચ વરસાદથી જળબંબોળ