ચરોતરના ગોલ્ડન બેલ્ટ ગણાતા આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારથી જ અસહ્ય ગરમી અને બફારા બાદ બપોરના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા.

બોરસદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો

જોતજોતામાં મેઘરાજાએ રી-એન્ટ્રી કરી હતી અને ધીમી ધારે વરસાદી ઝાપટાં પડવાનું શરૂ થઈ ગયું હતું. વરસાદી સરવડાં પડતાં જ બોરસદ નગરના મુખ્ય માર્ગો અને બજારના રસ્તાઓ ભીના થઈ ગયા હતા. બોરસદમાં વરસાદના આ વાતાવરણથી સ્થાનિક રહીશોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ સહન કરી રહેલા લોકો અને વાહનચાલકોને વરસાદી પવનો અને ઝાપટાંના કારણે ગરમીમાંથી મોટી રાહત મળી છે.

ખેડૂતોમાં પણ ભારે ઉત્સાહ

બોરસદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગર, તંબાકુ સહિતના ચોમાસુ પાકોનું મોટા પાયે વાવેતર થયેલું છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની આ રી-એન્ટ્રી પાકો માટે અત્યંત સંજીવની સમાન સાબિત થશે, જેને કારણે ખેડૂતોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત લોકરક્ષક ભરતીમાં 12,733 જગ્યાઓ સામે 18,322 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઇડ