બોરસદ નગરપાલિકાની સામાન્ય બોર્ડ બેઠકમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. સત્તાધારી પક્ષ દ્વારા માત્ર 5 જ મિનિટના ટૂંકા સમયગાળામાં સમગ્ર બેઠક પૂર્ણ કરી દેવામાં આવતાં વિરોધ પક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. એજન્ડા પરના તમામ કામો વંચાણે લીધા વગર કે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના જ ઉતાવળે મંજૂર કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ સામે આવ્યો છે.

સુધારા ધ્યાને ન લેવાતાં સત્તાપક્ષ સામે વિપક્ષનો આક્રોશ

બોર્ડ બેઠક દરમિયાન વિરોધ પક્ષના કાઉન્સિલરો દ્વારા રજૂ કરવામાં આવેલા સુધારાઓને પણ તદ્દન નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. સત્તાધારી પક્ષના કાઉન્સિલરોએ કોઈપણ મુદ્દા પર તંદુરસ્ત ચર્ચા કરવાની જગ્યાએ મનસ્વીપણે બેઠક આટોપી લેતાં વિપક્ષે નગરપાલિકા હોલમાં જ વિરોધ નોંધાવ્યો હતો અને સત્તાપક્ષની કાર્યશૈલી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

"લોકશાહીનું હનન થઈ રહ્યું છે": વિપક્ષના ગંભીર આરોપો

બેઠક બાદ વિરોધ પક્ષે બોર્ડની કામગીરીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધીશો દ્વારા નગરપાલિકામાં ખુલ્લેઆમ લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે. શહેર અને નગરજનોના હિતના કોઈ પણ કામ પર ચર્ચા કરવામાં આવતી નથી અને પ્રજાના પ્રશ્નોને નેવે મૂકીને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Rajkot News : વિંછીયાના ભોયરા ગામમાં દીપડાનો આતંક, એક જ રાતમાં 6 ઘેટાં અને 1 વાછરડીનું મારણ કર્યું