બોટાદ શહેરમાં સરકારી જમીન અને જાહેર માર્ગો પર થયેલા ગેરકાયદે દબાણો સામે વહીવટી તંત્રે કડક વલણ અપનાવ્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા ઢાંકણીયા રોડ પર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ની બરાબર સામેના વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોડની બંને તરફ થયેલા ગેરકાયદે કાચા અને પાકા બાંધકામો પર જેસીબી ફેરવી દઈ માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. સ્થાનિક દબાણકારોને તંત્ર દ્વારા અગાઉ ત્રણ-ત્રણ વખત કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં સ્વેચ્છાએ દબાણો ન હટાવાતાં આખરે તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી બુલડોઝર એક્શન લીધું હતું.
12 મીટર સુધીના દબાણો પર ફરી વળ્યું જેસીબી
7થી વધુ સ્થળોએ સપાટો: મુખ્ય માર્ગ નજીક ખડકી દેવાયેલા 7 થી વધુ સ્થળો પર તંત્રએ સીધી કાર્યવાહી કરી હતી.વર્ષોથી રોડની સાઇડમાં પતરાં, નળિયાં કે પાકી દીવાલો ચણીને ઊભા કરાયેલા ઓટલા, દુકાનો અને શેડ સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. રોડની મધ્યમાંથી બંને બાજુ ૧૨ મીટર સુધીના માર્ગ વિસ્તારને દબાણમુક્ત કરવામાં આવ્યો હતો, જેથી ટ્રાફિક વ્યવહાર સુગમ બની શકે.
