ગુજરાતનું છોટી કાશી અને વિશ્વની રિફાઇનિંગ કેપિટલ ગણાતું જામનગર શહેર ફરી એકવાર વૈશ્વિક આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુપરપાવર દેશો અને અબજોપતિઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ (વિદેશ મંત્રી) માર્કો રુબિયો એક અત્યંત શક્તિશાળી અને હાઈ-પ્રોફાઈલ આંતરરાષ્ટ્રીય ડેલિગેશન સાથે ખાસ વિમાન મારફતે જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. આ ડેલિગેશનમાં યુએસના ૨૦૦થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ, બિઝનેસ સીઈઓ (CEOs) અને વરિષ્ઠ રાજદ્વારી પ્રતિનિધિઓ સામેલ છે. મુંબઈની સત્તાવાર મુલાકાત પૂર્ણ કરીને જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કર્યા બાદ, વિશાળ સુરક્ષા કાફલા સાથે આ વિદેશી મહેમાનો સીધા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંકુલ તરફ રવાના થયા હતા. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વૈશ્વિક ઊર્જા સુરક્ષા અને ટેક્સાસમાં પ્રસ્તાવિત $300 બિલિયન (અંદાજે ₹25 લાખ કરોડથી વધુ) ના મેગા રિફાઇનરી પ્રોજેક્ટ ને આખરી ઓપ અપાય તેવી પ્રબળ શક્યતા છે.

મુકેશ અંબાણી સાથે હાઈ-લેવલ બેઠક

 યુએસ સેક્રેટરી માર્કો રુબિયો અને બિઝનેસ પ્રતિનિધિઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમજ અંબાણી પરિવાર સાથે વિશેષ દ્વિપક્ષીય બેઠક યોજશે. જેમાં અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પ્રસ્તાવિત $300 બિલિયનના અલ્ટ્રા-મેગા રિફાઇનરી પ્રોજેક્ટની ભાગીદારી અંગે અંતિમ મહોર લાગી શકે છે. જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરી પ્રતિદિન આશરે 14 લાખ બેરલ ક્રૂડ ઓઇલ રિફાઇન કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે અને તે વિશ્વના સૌથી ભારે  ક્રૂડને પણ શુદ્ધ કરી શકે છે. અમેરિકા ઈચ્છે છે કે રિલાયન્સ વેનેઝુએલામાંથી મોટા પાયે ક્રૂડ ઓઇલ આયાત કરે, જેથી વૈશ્વિક ઓઇલ સપ્લાય સંતુલિત રહે.20 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ ભારત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર આખરી તબક્કામાં છે.

અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ 'વનતારા' ની વિશેષ મુલાકાત

દિવસભરની ગંભીર આર્થિક અને રાજદ્વારી મંત્રણાઓ બાદ અમેરિકી ડેલિગેશન અનંત અંબાણીના વિઝન હેઠળ નિર્મિત વિશ્વવિખ્યાત વન્યજીવ સંરક્ષણ, પુનર્વસન અને સારવાર કેન્દ્ર 'વનતારા' (Vantara) ની વિશેષ મુલાકાત લેશે.વિશ્વભરમાંથી બચાવાયેલા પ્રાણીઓ માટે ઊભા કરાયેલા અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડિકલ સેન્ટરનું વિદેશી મહેમાનો નિરીક્ષણ કરશે.આ પ્રતિનિધિમંડળ રાત્રિ રોકાણ રિલાયન્સ ગ્રીન્સ ખાતે કરશે, જ્યાં તેમના માટે શાહી આતિથ્યનું આયોજન કરાયું છે. તમામ કાર્યક્રમો સંપન્ન કરીને બીજા દિવસે વહેલી સવારે તેઓ પરત રવાના થશે.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વૈશ્વિક દબદબો

અમેરિકી વિદેશ મંત્રીની મુલાકાતને લઈને જામનગર એરપોર્ટ, એરફોર્સ સ્ટેશન, હાઇવે અને રિલાયન્સ સંકુલમાં અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવી દેવામાં આવ્યું છે.યુએસ સિક્રેટ સર્વિસ અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર રૂટનું કડક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.આ મુલાકાતથી વૈશ્વિક ઊર્જા નકશા પર રિલાયન્સ અને ગુજરાતની સર્વોચ્ચતા ફરી એકવાર સાબિત થઈ છે.

આ પણ વાંચો: Rajkot: લોધિકા સંઘમાં ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂક અધ્ધરતાલ, ભાજપના આંતરિક જૂથવાદે કામગીરી ઠપ્પ કરી!