બોટાદ શહેરના ભરચક ગણાતા ઢાંકણીયા રોડ પર આગનો એક અત્યંત ભયાનક બનાવ સામે આવ્યો છે. અહીં રહેણાંક વિસ્તારની એકદમ નજીક આવેલા એક ભંગારના ડેલામાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. ડેલામાં સંગ્રહિત કરાયેલા પૂંઠા, પ્લાસ્ટિક, કાગળ અને અન્ય જ્વલનશીલ કચરાના જથ્થાને કારણે આગે ક્ષણવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં કિલોમીટરો દૂર સુધી દેખાવા લાગ્યા હતા. સ્થાનિક સ્તરે ફટાકડાના તણખા પડવાને કારણે આ આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ બોટાદ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
બોટાદમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી
ડેલામાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ભંગાર, સુકા પૂંઠા અને પેકિંગ મટિરિયલનો સંગ્રહ હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. જોતજોતામાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આ ભંગારના ડેલાની ચારેય બાજુ સામાન્ય નાગરિકોના રહેણાંક મકાનો આવેલા છે. આગની જ્વાળાઓ આસપાસના ઘરો તરફ પ્રસરવાની અણી પર હતી, જેના કારણે રહીશો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, ફાયર વિભાગ સમયસર પહોંચી જતાં મોટી હોનારત થતાં અટકી ગઈ હતી. આગની તીવ્રતા ઘણી વધારે હોવા છતાં ફાયર જવાનોની સમયસૂચકતાના કારણે કોઈ વ્યક્તિ દાઝી નથી કે કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
