ગાંધી અને સરદારના કહેવાતા નશાબંધી ધરાવતા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરતા પોલીસ અધિકારીના જ એક ચોંકાવનારા નિવેદને સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા હેઠળ આવતા ઢસા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી. ડી. આહીરનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ જાહેરમાં એવું કહેતા સંભળાય છે કે, ‘કોઈપણ સરકાર આવે, દારૂ ક્યારેય બંધ ન થાય, માત્ર કંટ્રોલ કરી શકાય છે.’ ગ્રામજનો જ્યારે પોતાના ગામમાં ચાલતા દારૂના દૂષણને બંધ કરાવવા રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે જવાબદાર પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલા આવા બેજવાબદાર જવાબે પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે.
સાયબર અવેરનેસ કાર્યક્રમમાં ગ્રામજનોએ કરી હતી દારૂબંધીની રજૂઆત
થોડા દિવસો પહેલાં બોટાદના ગઢડા તાલુકાના જલાલપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં સ્થાનિક પોલીસ દ્વારા 'સાયબર અવેરનેસ' (સાયબર ક્રાઇમ જાગૃતિ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઢસા પોલીસ મથકના PSI જી. ડી. આહીર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જલાલપુર ગામના જાગૃત નાગરિકો અને અગ્રણીઓએ પીએસઆઈ સમક્ષ ગામમાં ચાલતા દેશી-વિદેશી દારૂના વેચાણ અને દૂષણને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા હાથ જોડીને રજૂઆત કરી હતી.
‘દારૂ ક્યારેય બંધ ન થાય, ફક્ત કંટ્રોલ થાય’
ગ્રામજનોની રજૂઆત સાંભળીને કડક કાર્યવાહીની ખાતરી આપવાના બદલે પીએસઆઈએ જાહેરમાં કરેલા નિવેદનથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. PSI જી. ડી. આહીરે માઇક કે ગ્રામજનોની સામે બેધડક કહ્યું હતું કે, "દારૂ ક્યારેય સંપૂર્ણપણે બંધ ન થઈ શકે, તેને ફક્ત અમુક હદ સુધી કંટ્રોલ (નિયંત્રિત) કરી શકાય છે."એટલું જ નહીં, તેમણે રાજકીય વ્યવસ્થા પર પણ સવાલ ઊભા કરતું નિવેદન આપતાં ઉમેર્યું કે, "કોઈપણ સરકાર સત્તામાં આવે, પણ દારૂ ક્યારેય બંધ કરાવી શકે નહીં."ત્યાં હાજર કોઈ સ્થાનિક વ્યક્તિએ આ સમગ્ર વાતચીતનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ભીંસમાં મુકાયા છે.
ગૃહ વિભાગ અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો
ગુજરાતમાં કાગળ પર રહેલી દારૂબંધીની પોલ ખુદ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જ ખોલી નાખતાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ખુદ પોલીસ જ આવી લાચારી દર્શાવશે તો બૂટલેગરો સામે કાર્યવાહી કોણ કરશે?એક સરકારી સેવક તરીકે અને કાયદાના અમલદાર તરીકે નશાબંધીના કાયદા વિરુદ્ધ જાહેરમાં બોલવા બદલ PSI સામે ખાતાકીય પગલાં લેવામાં આવશે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.બોટાદ જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા આ વાયરલ વીડિયોની નોંધ લઈને તપાસના આદેશ અપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: Sandesh Digital Explainer: SOU પર આ વખતે ઇતિહાસ રચાશે, આકાશમાંથી ગર્જના કરશે વાયુસેનાના લડાકુ વિમાનો