બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કાળુભાર ડેમમાંથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે. ડેમમાં એક મહિલા અને પુરુષે આત્મહત્યા કરી લીધાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકટોળા એકત્રિત થઈ ગયા હતા.
ભાઈને ફોન કરીને આત્મહત્યાની કરી હતી વાત
પ્રાપ્ત વિગતો મુજબ, ગઢડા તાલુકાના કેરાળા ગામના રહેવાસી 25 વર્ષીય રોહિત ભરતભાઈ સાથળીયાએ બપોરના સમયે પોતાના ભાઈ અરવિંદભાઈને ટેલિફોન પર ફોન કરીને જણાવ્યું હતું કે, અમે કાળુભાર ડેમમાં પડીને આત્મહત્યા કરીએ છીએ. આ ચોંકાવનારો ફોન આવતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, અને તાત્કાલિક ધોરણે અરવિંદભાઈ દ્વારા ગઢડા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
ડેમ કિનારેથી બાઈક અને ચંપલ મળી આવ્યા
પોલીસ અને તંત્રને માહિતી મળતા જ ગઢડા પોલીસ તથા બોટાદથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરતા કાળુભાર ડેમના કિનારેથી એક બાઈક તેમજ પુરુષ અને સ્ત્રીના ચંપલ મળી આવ્યા હતા, જેનાથી તેઓએ ડેમમાં ઝંપલાવ્યાની આશંકા વધુ ગાઢ બની છે.

ગુમ થયેલ યુવક-યુવતી કેરાળા ગામના હોવાની ઓળખ
પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે ડેમ પાસેથી મળી આવેલી વસ્તુઓ અને ફોન પર થયેલી વાતચીતના આધારે લાપતા થયેલ યુવક-યુવતી ગઢડા તાલુકાના કેરાળા ગામના હોવાનું સામે આવ્યું છે. જેમાં 25 વર્ષીય શીતલબેન વિજયભાઈ શેખ અને રોહિત ભરતભાઈ સાથળીયા હોવાની ઓળખ થઈ છે.

બોટાદ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ બોટથી શોધખોળ શરૂ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોટાદ ફાયર વિભાગની ટીમ દ્વારા કાળુભાર ડેમના ઊંડા પાણીમાં રેસ્ક્યુ બોટની મદદથી યુવક અને યુવતીની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ સમગ્ર માને લઈને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો: Botad News: ઓનલાઈન મની ગેમિંગ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો, મોબાઈલ અને લેપટોપ સહિત મુદ્દામાલ કબજે