બોટાદ સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે હાલ ગંભીર ચિંતાનો વિષય સામે આવ્યો છે. શાળાની નજીક આવેલી ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગ અને તેના કારણે ફેલાયેલા ઝેરી ધુમાડાના ગોટેગોટાને કારણે સમગ્ર શાળા ખાલી થઈ ગઈ છે. બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થતાં વાલીઓએ પોતાના સંતાનોને ઘરે પરત બોલાવી લીધા છે અને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે.

17 નવેમ્બરથી શરૂ થયેલી આગ અને ધુમાડાનો ત્રાસ

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 17 નવેમ્બરના રોજ બપોરના 3 વાગ્યા આસપાસ શાળાની નજીક આવેલી ડમ્પિંગ સાઈટમાં ભીષણ આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તે જ દિવસે રાત્રે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ આગ ફરી ભભૂકી ઉઠતા ભારે ઝેરી ધુમાડો ફેલાયો હતો. આ ધુમાડાના કારણે જવાહર નવોદય વિદ્યાલય તેમજ આસપાસના વિસ્તારોમાં વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું હતું.

Botad News: Jawahar Navodaya Vidyalaya Emptied Due to Toxic Smoke from Dumping Site

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની તબિયત લથડતા સર્કિટ હાઉસમાં કરાયું હતું સ્થળાંતર

ડમ્પિંગ સાઈટના આ ઝેરી ધુમાડાની સીધી અસર બાળકોના આરોગ્ય પર પડી હતી. ગત 19 નવેમ્બરની રાત્રે 30 વિદ્યાર્થીઓ અને 6 જેટલા શિક્ષકોની તબિયત લથડતા તેમને તાત્કાલિક અસરથી સર્કિટ હાઉસ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અગાઉ 18 નવેમ્બરે વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો, જેના પગલે બોટાદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને 18 થી 20 નવેમ્બર દરમિયાન વાલીઓ પોતાના બાળકોને ઘરે લઈ ગયા હતા, જેના કારણે 405 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી આ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય થઈ ગઈ છે.

Botad News: Jawahar Navodaya Vidyalaya Emptied Due to Toxic Smoke from Dumping Site

તંત્રના મૌન સામે વાલીઓનો અલ્ટીમેટમ, ડમ્પિંગ સાઈટ નહીં હટે તો બાળકો નહીં મોકલે

ગત 5 દિવસથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ગંભીર રીતે જોખમાયો છે અને તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. વાલીઓ દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જ્યાં સુધી ડમ્પિંગ સાઈટ અહીંથી હટાવવામાં નહીં આવે અને ઝેરી ધુમાડો કાયમ માટે બંધ નહીં થાય, ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલશે નહીં. વહીવટી તંત્રના મૌનને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: Botad News: મિલિટરી રોડ પાછળ જુગારધામ ઝડપાયું, 4.28 લાખની રોકડ સાથે 6 ઝડપાયા!