બોટાદ નગરપાલિકાના વહીવટમાં મહિલા સભ્યોના પતિઓની વધતી જતી દખલગીરી સામે પાલિકા તંત્રે આકરું વલણ અપનાવ્યું છે.પાલિકા કચેરીમાં મહિલા સદસ્યોના પતિઓની દખલગીરી બંધ કરવા અને તેમના બિનજરૂરી પ્રવેશ પર નો એન્ટ્રી દર્શાવતી કડક સૂચના આપતી જાહેર નોટિસ ફટકારવામાં આવી છે.આ નિર્ણયને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો માહોલ ગરમાયો છે.
કર્મચારીઓની ખુરશી પર બેસી વહીવટમાં દખલ કરવાનો આરોપ
બોટાદ નગરપાલિકાની વિવિધ શાખાઓમાં ચૂંટાયેલી મહિલા સભ્યોના પતિઓ બિનજરૂરી રીતે આવીને બેસી રહેતા હોવાની અને પાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓની ખુરશીઓ પર બેસીને વહીવટી કામગીરીમાં દખલગીરી કરતા હોવાની બાબત તંત્રના ધ્યાને આવી હતી.મહિલા પ્રતિનિધિઓના સ્થાને તેમના પતિઓ જ આખો વહીવટ ચલાવતા હોવાની અને કર્મચારીઓને હેરાન-પરેશાન કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઊભી થઈ હતી.જેને ધ્યાને રાખીને ચીફ ઓફિસર દ્વારા આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે.
