બોટાદમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયનો વિવાદ હવે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે.નગરપાલિકાની ડમ્પિંગ સાઈટના ઝેરી ધુમાડાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાનો આક્ષેપ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી.તંત્ર સમક્ષ આરોગ્ય અને શિક્ષણ અંગે રજૂઆત કરી તમામ લોકો કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર બેઠા હતાં. ગત 17 નવેમ્બરના રોજ આ ડમ્પિંગ સાઈટ પર અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગ લાગ્યા બાદ સતત નીકળતા ઝેરી અને અસહ્ય ધુમાડાના કારણે સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણ ફેલાયું હતું.
વિદ્યાર્થીઓના આરોગ્ય અને શિક્ષણના હિતમાં ઉગ્ર રજૂઆત
બોટાદ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયની નજીકમાં નગરપાલિકા દ્વારા સંચાલિત ડમ્પિંગ સાઈટ આવેલી છે.જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ધુમાડાની અત્યંત ખરાબ અસર પડી હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને શાળામાં શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું.આજે છેલ્લા 9 દિવસથી શાળાનું શૈક્ષણિક કાર્ય સદંતર ઠપ થઈ ગયું છે.નવ દિવસનો લાંબો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.લાંબા સમય સુધી કોઈ ચોક્કસ નિર્ણય ન આવતા આખરે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.આ સમગ્ર મામલે વાલીઓએ એકત્ર થઈને તંત્ર સમક્ષ વિદ્યાર્થીઓના આરોગ્ય અને શિક્ષણના હિતમાં ઉગ્ર રજૂઆત કરી છે.
