બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. રાણપુર તાલુકાના નાગનેશ ગામે ખેતર પાસે ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરીનો વિરોધ કરવો સ્થાનિક ખેડૂત પિતા-પુત્રને ભારે પડ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, નાગનેશ ગામના રાજુભા ઝાલા અને તેમના પુત્ર અનિરુદ્ધસિંહ ઝાલાના ખેતર નજીક ખનીજ ચોરી થતી હોય, તેમણે ખનીજ માફિયાઓને ના પાડી હતી. આ બાબતનો ખાર રાખીને કિશોરસિંહ ઝાલા, વિક્રમભાઈ દિલુભા અને દિગ્વિજયસિંહ ગજરાજસિંહ સહિત 7 થી 8 જેટલા શખ્સોના ટોળાએ પિતા-પુત્ર પર અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો.
નાગનેશ ગામે ખનીજ ચોરી અટકાવતા પિતા-પુત્ર પર હુમલો
ઈજાગ્રસ્ત પિતા-પુત્રએ હોસ્પિટલના ખાટલેથી ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, હુમલાખોરોએ પહેલાં તેમની ઉપર ડમ્પર ચડાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ બંદૂકમાંથી ફાયરિંગ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર બંદૂકમાંથી મિસફાયર થતાં કે ફાયરિંગ ન થતાં, ઉશ્કેરાયેલા હુમલાખોરોએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયારો વડે પિતા-પુત્ર પર બેફામ ઘા ઝીંકી દીધા હતા. આ લોહિયાળ હુમલામાં રાજુભા અને અનિરુદ્ધસિંહ બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
