બોટાદના પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર અને પાળીયાદના દર્શને આવતા હજારો શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બોટાદમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ ચાલતી બસ સેવાના બે સૌથી મહત્વના રૂટ છેલ્લા 20 દિવસથી અચાનક બંધ કરી દેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.બોટાદથી સાળંગપુર અને બોટાદથી પાળીયાદના આ બંને રૂટો બંધ થવાના કારણે દરરોજ અપ-ડાઉન કરતા નોકરિયાતો, શ્રમિકો અને દેશ વિદેશથી આવતા દર્શનાર્થીઓ અટવાયા છે.
સામાન્ય જનતા પર મોટો આર્થિક બોજ
પરિવહન સેવા બંધ થવાનો સીધો ફાયદો સ્થાનિક ખાનગી વાહનચાલકો ઉઠાવી રહ્યા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. બસ બંધ થતાં મજબૂર બનેલા મુસાફરો પાસેથી રિક્ષાચાલકો મનફાવે તેમ બમણું-ત્રણગણું ભાડું વસૂલી રહ્યા છે.જેના કારણે સામાન્ય જનતા પર મોટો આર્થિક બોજ આવી પડ્યો છે.ખાસ કરીને રેલ્વે મારફતે બોટાદ સ્ટેશને ઉતરીને આગળ સાળંગપુર કે પાળીયાદ જવા માંગતા શ્રદ્ધાળુઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તેઓ દ્વારા બસ સેવા તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
