ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવતા ઓપરેશન મ્યુલહન્ટ 2.0 અંતર્ગત દેશભરમાં ફેલાયેલા એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.પોલીસે આ મામલે મુખ્ય 3 સૂત્રધારોની ધરપકડ કરી છે.જેમણે દેશના 18 જેટલા રાજ્યોમાં પોતાની જાળ બિછાવી રાખી હતી.આ ટોળકીની ધરપકડ સાથે જ 2.86 કરોડથી વધુની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડના અંદાજે 54 જેટલા ગુનાઓને અંજામ આપવામાં આવ્યો હતો.

મિલીભગતથી જ આખા કૌભાંડને ઓપરેટ કરતા 

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડૉ.રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીઓ પેટીએમના કેટલાક એજન્ટો સાથે સીધા સંપર્કમાં હતા અને તેમની મિલીભગતથી જ આખા કૌભાંડને ઓપરેટ કરતા હતા.આરોપીઓએ કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે અમદાવાદમાં જ બે નકલી પેઢીઓ ઊભી કરી હતી.આ નકલી પેઢીઓના દસ્તાવેજોના આધારે તેઓએ જુદા જુદા બેંક ખાતાઓ અને પેઢીના નામે 38 જેટલા MID મેળવી લીધા હતા.જેનો ઉપયોગ ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે થતો હતો. ઝડપાયેલા શાતિર શખ્સો પાસેથી પોલીસને કુલ 72 મ્યુલ એકાઉન્ટ મળી આવ્યા છે.જે સામાન્ય કે ગરીબ લોકોના નામે ખોલાવીને સાયબર ગુનેગારો પોતાના કાળા નાણાં ફેરવવા માટે વાપરતા હતા. 

ત્રણેય આરોપીઓની અટકાયત કરી

સામાન્ય રીતે સાયબર ફ્રોડની ફરિયાદ થાય એટલે પોલીસ તરત જ જે તે બેંક ખાતું ફ્રીઝ કરાવી દેતી હોય છે પરંતુ આ ટોળકીએ તેનાથી બચવા માટે એક નવી જ તરકીબ અપનાવી હતી.તેઓ મર્ચન્ટ આઈડી અને મ્યુલ એકાઉન્ટ્સ વચ્ચે નાણાંની હેરફેર એવી રીતે કરતા કે જો કોઈ ભોગ બનનાર વ્યક્તિ ફ્રોડની ફરિયાદ કરે તો પણ મ્યુલ એકાઉન્ટમાં પડેલી રકમ એકદમ સલામત રહેતી અને પોલીસ તેને ફ્રીઝ કરી શકતી નહોતી.હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીઓની અટકાયત કરીને તેમની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે.આ નેટવર્કમાં પે-ટીએમના કયા-કયા એજન્ટો સક્રિય રીતે સામેલ હતા અને દેશના અન્ય કયા સાયબર ક્રિમિનલ્સ સાથે તેમના તાર જોડાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચોઃ Jamnagar: ધ્રોલના મજોઠમાં બેફામ ખનીજ ચોરી સામે અરજદાર અર્ધનગ્ન હાલતમાં ખાણ-ખનીજ કચેરીએ પહોંચ્યા, કચેરીમાં ખળભળાટ