જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાંથી સરકારી તંત્રની આંખ ઉઘાડનારો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધ્રોલના મજોઠ ગામમાં ચાલી રહેલા ગેરકાયદે ખનીજ ખનનનો વિરોધ કરવા છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે કંટાળીને એક અરજદાર અર્ધનગ્ન હાલતમાં જામનગર ખાણ-ખનીજ કચેરીએ વિરોધ નોંધાવવા પહોંચી ગયા હતા. આ અનોખા અને ઉગ્ર વિરોધને પગલે સરકારી કચેરીના સ્ટાફ સહિત સમગ્ર પંથકમાં ભારે દોડધામ મચી ગઈ છે.
ગેરકાયદેસર ખનીજ ચોરીની ગંભીર પ્રવૃત્તિઓથી પરેશાન
મળતી વિગતો અનુસાર, મજોઠ ગામના રહેવાસી અને અરજદાર સોંઢાભાઈ નાગજીભાઈ વરુ પોતાના ગામમાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરીની ગંભીર પ્રવૃત્તિઓથી પરેશાન હતા. આ અંગે તેમણે ખાણ-ખનીજ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી.
ખનીજ માફિયાઓ સામે કોઈ કોઇ કાર્યવાહી ના કરાઇ
તેમ છતાં ખનીજ માફિયાઓ સામે કોઈ નક્કર કે અસરકારક કાનૂની કાર્યવાહી કરવામાં આવી ન હતી. તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે બેફામ બનેલા ખનીજ માફિયાઓએ અરજદાર સોંઢાભાઈને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ
પીડિત અરજદારનો દાવો છે કે, ગેરકાયદે ખનનનો વિરોધ કરવા બદલ માફિયાઓ દ્વારા તેમને હથિયારો બતાવીને સરાજાહેર ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
અર્ધનગ્ન હાલતમાં જ સીધા ખાણ-ખનીજ અધિકારીની કચેરી પહોંચ્યા
વારંવારની રજૂઆતો છતાં સરકારી અધિકારીઓ મૌન સેવીને બેઠા હોવાથી આખરે કોઈ રસ્તો ન બચતા સોંઢાભાઈ વરુ પ્રતીકાત્મક વિરોધના ભાગરૂપે અર્ધનગ્ન હાલતમાં જ સીધા ખાણ-ખનીજ અધિકારીની કચેરીની અંદર ઘૂસી ગયા હતા. તેમણે તંત્ર સમક્ષ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મજોઠ ગામમાં ચાલતી ગેરકાયદે ખનીજ ચોરી પર તાત્કાલિક ધોરણે કડક પ્રતિબંધ મૂકવાની ઉગ્ર માંગણી કરી છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : રેલવે ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ, દેશની પ્રથમ ‘હાઇડ્રોજન ટ્રેન’આજથી દોડશે, વાંચો આ ટ્રેન કઇ રીતે ચાલે છે અને તેના ફાયદા- ગેરફાયદા