દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની રજાઓ દરમિયાન બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું અવિરત ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બેસતા વર્ષના પવિત્ર દિવસથી લઈને અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી અને દેશ-વિદેશથી આવેલા લાખો ભક્તોએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન અને ભોજન-પ્રસાદનો ધન્યતાપૂર્વક લાભ લીધો છે. સમગ્ર સાળંગપુર ગામમાં જ્યાં નજર પડે ત્યાં માત્ર ને માત્ર ભક્તોની વિશાળ જનમેદની જોવા મળી રહી છે. ભક્તોની આ અફાટ ભીડના અદભુત અને નયનરમ્ય ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે દાદા પ્રત્યેની અતૂટ આસ્થાની સાક્ષી પૂરે છે.
'કિંગ ઓફ સાળંગપુર' પાસે ભક્તોનો જમાવડો
તહેવારોની રજાઓ હોવાથી વહેલી સવારથી જ મંદિર પરિસર હરિભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું છે. 'જય કષ્ટભંજન દેવ'ના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું છે. બેસતા વર્ષથી શરૂ થયેલા ભક્તોના અવિરત પ્રવાહમાં લાખો શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરવાની સાથે મંદિર પરિસરમાં આવેલા વિશાળ ભોજનાલયમાં પ્રસાદ ગ્રહણ કર્યો છે.
