સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આજે વહેલી સવારે આગ લાગવાની એક મોટી દુર્ઘટના સામે આવી છે. મોટા વરાછા સ્થિત 'ક્રિષ્ના એવન્યુ' બિલ્ડિંગના પાર્કિંગમાં વહેલી સવારે આશરે 4 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલી 11 જેટલી ગાડીઓ આગની લપેટમાં આવીને બળીને ખાખ થઈ ગઈ હતી. વહેલી સવારે જ્યારે સૌ મીઠી નિંદ્રામાં હતા ત્યારે આગના ધુમાડા અને જ્વાળાઓ દેખાતા બિલ્ડિંગના રહીશોમાં ભારે ગભરાટ અને નાસભાગ મચી ગઈ હતી. જોકે, મોટા વરાછા ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

મોટા વરાછા વિસ્તારમાં બિલ્ડિંગના પાર્કિંગમાં આગ લાગી

ક્રિષ્ના એવન્યુના પાર્કિંગમાં સવારે 4 વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગની ઇલેક્ટ્રિક મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પાર્કિંગમાં વાહનો નજીક-નજીક પાર્ક કરેલા હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી, જેના પરિણામે 11 જેટલી ગાડીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતાં વાહનમાલિકોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.આગ લાગતાં જ સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેના કારણે જીવ બચાવવા રહીશોમાં દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી.

પાર્કિંગમાં પાર્ક કરેલી 11 જેટલી ગાડીઓ બળીને ખાખ

બનાવની જાણ થતાં જ મોટા વરાછા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા ન થતાં રહીશો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો: Ahmedabad: મોટાભાગના વિસ્તારોમાં AQI 150થી ઉપર; બીજી તરફ રાજકોટમાં 90 સુધી નીચે ઉતર્યો પ્રદૂષણનો પારો