છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી વન્યજીવો માનવ વસ્તી નજીક આવી પહોંચ્યા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોડેલીના જબુગામ નજીક આવેલી સરકારી નર્સરીની બિલકુલ બાજુમાં એકસાથે ત્રણ જેટલા દીપડાના નાના બચ્ચા જોવા મળ્યા છે. સામાન્ય રીતે દીપડો કે તેના બચ્ચા એકલ-દોકલ જોવા મળતા હોય છે, પરંતુ અહીં એકસાથે ત્રણ-ત્રણ બચ્ચા જાહેર જગ્યાની નજીક જોવા મળતાં સમગ્ર પંથકમાં ભારે કૌતુક અને આશ્ચર્ય સર્જાયું છે.
વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
જબુગામ નર્સરી પાસેથી પસાર થઈ રહેલા સ્થાનિક લોકોની નજર જ્યારે આ દીપડાના ત્રણ માસૂમ પણ જોખમી બચ્ચાઓ પર પડી, ત્યારે લોકોએ તકેદારીના ભાગરૂપે દૂર ઊભા રહીને પોતાના મોબાઈલ ફોનમાં આ સમગ્ર દ્રશ્યો કેદ કરી લીધા હતા. સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવેલો આ વીડિયો હાલ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોને પગલે આસપાસના વિસ્તારોમાં પણ આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે.













